વિદેશમાં ટેસ્ટ-મૅચમાં ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી ફટકારવાનો કપિલ દેવનો રેકૉર્ડ પણ તોડ્યો
વિચિત્ર અંદાજમાં શૉટ રમી રિષભ પંતે સિડનીમાં મચાવી ધમાલ
સિડની ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૪૦ રન બનાવનાર ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે બીજી ઇનિંગ્સમાં ૬૧ રન ફટકારીને ધમાલ મચાવી હતી. તેણે ૨૯ બૉલમાં હાફ-સેન્ચુરી પૂરી કરીને ૧૯૮૨માં કપિલ દેવે વિદેશમાં ભારત માટે ૩૦ બૉલમાં ફટકારેલી ફાસ્ટેસ્ટ ટેસ્ટ હાફ-સેન્ચુરીનો રેકૉર્ડ તોડ્યો હતો. કપિલ દેવે કરાચીના મેદાન પર આ રેકૉર્ડ બનાવ્યો હતો. રિષભ પંતે ૬૧માંથી ૪૮ રન ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા હતા.
૨૯ બૉલમાં હાફ-સેન્ચુરી ભારત માટે બીજી ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી છે. રિષભે જ આ પહેલાં ૨૦૨૨માં બૅન્ગલોરમાં શ્રીલંકા સામે ૨૮ બૉલમાં આ કમાલ કરી હતી. એની સાથે જ તે ૩૦ બૉલની અંદર બે હાફ-સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પહેલો બૅટર પણ બન્યો છે. પોતાના પહેલા ૩૦ બૉલની અંદર ૬૦ રન કરનાર તે બીજો બૅટર છે. પાકિસ્તાની બૅટર મિસ્બાહ-ઉલ-હકે અબુ ધાબીમાં
પોતાના પહેલા ૩૦ બૉલમાં સૌથી વધુ ૬૫ રન બનાવ્યા હતા. ૨૦૧૪ની ઑસ્ટ્રેલિયા સામેની આજ મૅચમાં તેણે ૨૧ બૉલમાં ટેસ્ટ-ઇતિહાસની ફાસ્ટેસ્ટ ટેસ્ટ હાફ-સેન્ચુરીનો રેકૉર્ડ બનાવ્યો હતો.
ADVERTISEMENT
રિષભ પંત : રન - ૬૧, બૉલ - ૩૩, ચોગ્ગા - ૦૬, છગ્ગા - ૦૪, સ્ટ્રાઇક-રેટ - ૧૮૪.૯૫
માસ્ટર બ્લાસ્ટરે રિષભ પંતની ઇનિંગ્સ વિશે કહી આ વાત
મહાન ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે રિષભ પંતની આ ઇનિંગ્સ બાદ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘એવી વિકેટ પર જ્યાં મોટા ભાગના બૅટ્સમેનોએ ૫૦ કે એથી ઓછા સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હોય ત્યાં ૧૮૪ના સ્ટ્રાઇક-રેટ સાથે રિષભ પંતની ઇનિંગ્સ ખરેખર શાનદાર છે. તેણે પહેલા જ બૉલથી ઑસ્ટ્રેલિયાને હચમચાવી દીધું હતું. તેને બૅટિંગ કરતા જોવાનું હંમેશાં મનોરંજક હોય છે. કેવી પ્રભાવશાળી ઇનિંગ્સ.’