મંગળવારે રાહુલ ચેન્નઈ સામે ૧૩ બૉલમાં માત્ર ૧૨ રન જ બનાવી શક્યો હતો પણ તેણે હાઇએસ્ટ ૪૪૫ રન સાથે ઑરેન્જ કૅપ મેળવી લીધી હતી.
ઍક્ટ્રેસ પત્ની અથિયા શેટ્ટી ગયા વર્ષે એક દીકરીનાં પેરન્ટ્સ બન્યાં હતાં
દિલ્હી કૅપિટલ્સના સ્ટાર બૅટર કે. એલ. રાહુલને લાગે છે કે પિતા બન્યા બાદ તેની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે અને એને લીધે તેની ક્રિકેટની રમતમાં પણ ખૂબ જ સૂધારો થયો છે. મંગળવારે રાહુલ ચેન્નઈ સામે ૧૩ બૉલમાં માત્ર ૧૨ રન જ બનાવી શક્યો હતો પણ તેણે હાઇએસ્ટ ૪૪૫ રન સાથે ઑરેન્જ કૅપ મેળવી લીધી હતી. રાહુલે આ સીઝનમાં ૧૦ મૅચમાં એક સેન્ચુરી અને ત્રણ હાફસેન્ચુરી સાથે કુલ ૪૪૫ રન બનાવ્યા છે. રાહુલ અને તેની ઍક્ટ્રેસ પત્ની અથિયા શેટ્ટી ગયા વર્ષે એક દીકરીનાં પેરન્ટ્સ બન્યાં હતાં. રાહુલે પિતા બનવાના તેના અનુભવને જિંદગીની સૌથી ખૂબસૂરત ક્ષણ ગણાવી એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે ‘મને એમ જ લાગતું હતું કે મારી જિંદગીમાં શાંતિ અને ખુશી છે, પણ હું ખોટો હતો. જ્યાં સુધી તમે પોતાના બાળકને ખોળામાં નથી લેતા ત્યાર સુધી તમે જિંદગીનું સાચું સુખ અને શાંતિનો મતલબ નથી સમજતા. મારી દીકરી જેમ-જેમ મોટી થઈ રહી છે એમ તેનાથી દૂર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. હું હંમેશાં મૅચ રમીને તરત ઘરે જઈને તેની સાથે સમય વિતાવું અને પાછો મેદાનમાં જાઉં એમ વિચારતો હોઉં છું, પણ આવું દરેક વખતે શક્ય નથી બનતું.’ ક્રિકેટરની જિંદગીમાં ઈજા, ટેન્શન અને ચિંતાને નૉર્મલ ગણાવી રાહુલે વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે હું ઘરે જાઉં છું અને દીકરીની એક મુસ્કુરાહટને જોઉં છું, તે મને ગળે લાગે છે અને કિસ કરે છે ત્યારે મારી બધી ઈજા, દર્દ અને ચિંતાઓ ખતમ થઈ જાય છે. આને લીધે હવે હું ક્રિકેટને લઈને જરૂરિયાતથી વધુ નથી વિચારતો અને તેથી જ ક્રિકેટ મને ફરીથી રોમાંચક લાગવા લાગ્યું છે. ચાર-પાંચ કલાક મેદાનમાં સંપૂર્ણ ફોકસ સાથે ક્રિકેટ રમું છું અને રમતનો આનંદ માણી લઉં છું. આમ દીકરીના આગમન બાદ વધુ પડતી ચિંતા વગર ક્રિકેટ રમું છું અને આનાથી મારી રમતમાં પણ ખૂબ જ સુધારો થયો છે.’
