દુલીપ ટ્રોફી ૨૦૨૬ની બીજી સેમી-ફાઇનલમાં નૉર્થ ઝોન ૧૯૫ રનમાં ઑલઆઉટ થયું હતું. જવાબમાં સાઉથ ઝોને પ્રથમ દિવસના અંતે ૪૦ રનમાં બે વિકેટ ગુમાવી હતી.
સાઉથ ઝોનના ફાસ્ટ બોલર વિદ્વથ કાવેરપ્પાએ ૪ વિકેટ લીધી હતી અને નૉર્થ ઝોનના ઓપનર કામરાન ઇકબાલે ૭૬ રન ઝૂડ્યા હતા.
સેન્ટર ઑફ એક્સલન્સમાં ગઈ કાલે નૉર્થ ઝોન અને ગયા વખતની રનર-અપ સાઉથ ઝોન વચ્ચે બીજી સેમી-ફાઇનલ શરૂ થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર નૉર્થ ઝોને ૫૯.૧ ઓવરમાં ૧૯૫ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા દિવસના અંતે તિલક વર્માની ટીમ સાઉથ ઝોને ૧૮ ઓવરમાં ૪૦ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી.
નૉર્થ ઝોનના ઓપનર કામરાન ઇકબાલ ૧૮૨ બૉલમાં ૧૦ ફોર અને એક સિક્સના આધારે ૭૬ રન કરીને છેક ૫૯મી ઓવરમાં કૅચ-આઉટ થયો હતો. કૅપ્ટન કન્હૈયા વાધવાને ૬૩ બૉલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માની આગેવાનીમાં ફાસ્ટ બોલર વિદ્વથ કાવેરપ્પાએ ૧૫ ઓવરમાં ૬૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તનય ત્યાગરાજન અને એમ.ડી. નિધીશને બે-બે વિકેટ મળી હતી.
સાઉથ ઝોનની પહેલી ઇનિંગ્સ દરમ્યાન નૉર્થ ઝોનના ફાસ્ટ બોલર્સ અંશુલ કમ્બોજ અને ગુરનૂર બરાડે એક-એક વિકેટ લીધી હતી. સાઉથ ઝોનનો ઓપનર નારાયણ જગદીસન ૫૮ બૉલમાં ૩૪ રન અને કૅપ્ટન તિલક વર્મા ૩ બૉલમાં એક રન કરીને અણનમ રહ્યા હતા.
