યુવાનોમાં તેની લોકપ્રિયતાને કારણે રિન્કુને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે યુવા આઇકન તરીકે ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યો હતો.
રિન્કુ સિંહ, પ્રિયા સરોજ
ઇલેક્શન કમિશને ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહને ઉત્તર પ્રદેશમાં મતદાર જાગૃતિ અભિયાનમાંથી દૂર કર્યો છે. યુવાનોમાં તેની લોકપ્રિયતાને કારણે રિન્કુને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે યુવા આઇકન તરીકે ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓને રિન્કુસંબંધિત તમામ પ્રમોશનલ સામગ્રીને વેબસાઇટ્સ પરથી દૂર કરવા નિર્દેશ આપ્યો છે.
રિન્કુ સિંહે ૮ જૂને મછલીશહર લોકસભા મતવિસ્તારનાં સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હતી. પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના ટોચના નેતાઓએ લખનઉમાં આયોજિત સમારોહમાં હાજરી આપી હતી. એક અધિકારી કહ્યું હતું કે ‘સગાઈ પછી રિન્કુ એક રાજકીય વ્યક્તિ સાથે સંકળાયો છે. મતદાર જાગૃતિ અભિયાનમાં સામેલ આ આઇકને ભાવના અને વર્તન બન્નેમાં બિનરાજકીય અને તટસ્થ રહેવું જોઈએ. જાગૃતિ અભિયાનમાં નિષ્પક્ષતા જાળવવા માટે તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
બેઝિક શિક્ષા-અધિકારી તરીકેની નિમણૂક પણ શંકાસ્પદ?
ઉત્તર પ્રદેશમાં બેઝિક શિક્ષા અધિકારી તરીકેની ક્રિકેટર રિન્કુ સિંહની નિમણૂક પણ મુશ્કેલીમાં મુકાઈ છે. એવા અહેવાલો મળ્યા છે કે ઉત્તર પ્રદેશ બેઝિક શિક્ષણ વિભાગે તેની ફાઇલ હોલ્ડ પર રાખી છે. જ્યારે આ પદ માટે રિન્કુનું નામ આવ્યું ત્યારે પણ સોશ્યલ મીડિયા પર લોકોએ તેની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા.

