આજે ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર : સાઉથ આફ્રિકા સામે સેમીમાં સતત ત્રીજી જીત મેળવવા પર ઇંગ્લૅન્ડની નજર
ગઈ કાલે ગુવાહાટીમાં પ્રૅક્ટિસ દરમ્યાન સાઉથ આફ્રિકાની મહિલા ખેલાડીઓ.
ગુવાહાટીમાં આજે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની પહેલી સેમી ફાઇનલ મૅચ રમાશે. બપોરે ત્રણ વાગ્યાથી સાઉથ આફ્રિકા અને ચાર વખતની ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમ એકબીજા સામે ટકરાશે. ઇંગ્લૅન્ડના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડમાં સાતમાંથી પાંચ મૅચમાં જીત અને ૧૧ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. આ ટીમને એક હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. સાઉથ આફ્રિકા પાંચ જીત અને બે હારને કારણે ૧૦ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
પ્રથમ સેમી ફાઇનલ મૅચ વચ્ચેના સમયમાં ગુવાહાટીમાં વરસાદની શક્યતા છે. જોકે પછીના દિવસે રિઝર્વ ડે છે. જો કોઈ પરિણામ ન આવે તો પૉઇન્ટ ટેબલ પર જે ટીમ ટોચ પર હશે એ ફાઇનલમાં જશે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૪૭ વન-ડે મૅચમાંથી ઇંગ્લૅન્ડ ૩૬ મૅચ જીત્યું છે, સાઉથ આફ્રિકા માત્ર ૧૦ મૅચ જીત્યું છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.
ADVERTISEMENT
ત્રણ વખત સેમી ફાઇનલ હાર્યું છે સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા આ પહેલાં ૨૦૦૦, ૨૦૧૭ અને ૨૦૨૨ના વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલ રમ્યું છે. પહેલી સેમી ફાઇનલમાં આફ્રિકન ટીમને ઑસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. બાકીની બે સેમી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને માત આપનાર ઇંગ્લૅન્ડ સતત ત્રીજા વન-ડે વર્લ્ડ કપમાં એ જ ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે.


