Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વખત ૭૦૦+ રનવાળી વન-ડે મૅચ રમાઈ

લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વખત ૭૦૦+ રનવાળી વન-ડે મૅચ રમાઈ

Published : 21 July, 2026 11:18 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૭ રનની જીત સાથે યજમાન ઇંગ્લૅન્ડે ૨-૧થી વન-ડે સિરીઝ જીતી, ૮ વર્ષે ભારતને સિરીઝમાં માત આપવામાં સફળ રહ્યા

ભારત સામે આઠ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીતવાની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ

ભારત સામે આઠ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીતવાની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ


લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રવિવારે ૨૭ રનથી નિર્ણાયક વન-ડે મૅચ જીતીને ઇંગ્લૅન્ડે ભારત સામે ૨-૧થી સિરીઝ પોતાને નામે કરી હતી. ઇંગ્લૅન્ડને ભારત સામે ૮ વર્ષે વન-ડે સિરીઝ જીતવામાં સફળતા મળી છે. તેઓ છેલ્લે ૨૦૧૮માં ઘરઆંગણે ભારત સામે ૨-૧થી સિરીઝ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદની સતત ત્રણ વન-ડે સિરીઝમાં ભારતની જીત થઈ હતી.

૧૯૨ રનની ઓપનિંગ ભાગીદારીને આધારે ત્રીજી મૅચમાં ઇંગ્લૅન્ડે માત્ર ૩ વિકેટ ગુમાવીને ૩૮૭ રન કર્યા હતા, જેના કારણે આ મેદાનનો હાઇએસ્ટ સ્કોરનો ૫૧ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો હતો. જવાબમાં ભારતે ૭ વિકેટ ગુમાવીને ૩૬૦ રન કર્યા હતા. આ ગ્રાઉન્ડમાં ૨૨ વર્ષથી વન-ડે મૅચ ન જીતવાનો સિલસિલો ભારતીય ટીમે જાળવી રાખ્યો હતો.  



લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વખત ૭૦૦ પ્લસ રનની મૅચ રમાઈ હતી. બન્ને ટીમની તોફાની બૅટિંગને કારણે રવિવારની મૅચમાં ૭૪૭ રન જોવા મળ્યા હતા. અગાઉ આ મેદાન પર ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચે ૬૫૫ રન અને ૨૦૦૨માં ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે ૬૫૧ રનની વન-ડે મૅચ રમાઈ હતી.


97

લૉર્ડ્‍સમાં આટલા રનની સૌથી મોંઘી વન-ડે સ્પેલ ફેંકી ગુરનૂર બરાડે. ભારતની બહાર સૌથી વન-ડે મૅચમાં સૌથી વધુ રન રન આપનાર બોલર પણ બન્યો.


ઇંગ્લૅન્ડે ઓપનર્સની ઐતિહાસિક પાર્ટનરશિપથી મજબૂત સ્કોર કર્યો

બેન ડકેટે ૧૩૫ બૉલમાં ૧૮ ફોર અને એક સિક્સના આધારે ૧૪૧ રન કર્યા હતા. તેના સાથી ઓપનર જેકબ બેથલે ૯૩ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સની મદદથી ૯૧ રન કર્યા હતા.  ૩૦.૧ ઓવર સુધી બન્ને વચ્ચે થયેલી ૧૯૨ રનની ભાગીદારી એ લૉર્ડ્‍સમાં વન-ડેની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. ભારત સામેની ઇંગ્લૅન્ડ તરફથી આ વન-ડે ઇતિહાસની આ કોઈ પણ વિકેટની મોટી ભાગીદારી પણ હતી.

ત્રીજા ક્રમે રમનાર જો રૂટે ૪૮ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૭૪ રન અને પાંચમા ક્રમે ઊતરેલા જૉસ બટલરે ૧૩ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સની મદદથી અણનમ ૪૧ રન કરીને અંતિમ ૧૦ ઓવરમાં ટીમને ૧૨૬ રન ઝૂડવામાં મદદ કરી હતી.

બન્ને ટીમના ઓપનર્સે મળીને રચ્યો ઇતિહાસ

લૉર્ડ્‍સમાં રમાયેલી મૅચ ઓપનર્સના સૌથી વધુ રનવાળી વન-ડે મૅચ બની હતી. આ મૅચમાં બન્ને ટીમના ઓપનર્સે મળીને ૪૪૭ રન જોડ્યા હતા. અગાઉ ૨૦૦૯માં રાજકોટમાં શ્રીલંકા અને ભારતના ઓપનર્સે મળીને ૪૪૨ રન કર્યા હતા. પહેલી જ વખત ચાર ઓપનિંગ બૅટર્સે એક મૅચમાં ૭૫ કે એથી વધુ રનની વન-ડે ઇનિંગ્સ રમી હતી. 

એક વન-ડે મૅચમાં ચાર શતકીય ભાગીદારી

એક વન-ડે મૅચમાં ચાર શતકીય ભાગીદારી થઈ હોઈ એવી આ ચોથી મૅચ હતી. અગાઉ ભારત-શ્રીલંકાની ૨૦૦૯ની મૅચ, ભારત-ઇંગ્લૅન્ડની ૨૦૨૧ની મૅચ, ઝિમ્બાબ્વે-શ્રીલંકાની ૨૦૨૫ની મૅચમાં આવી કમાલ થઈ હતી. 

ઇંગ્લૅન્ડના ઓપનર્સની ૧૯૨ રનની ભાગીદારી બાદ બીજી વિકેટ માટે બેન ડકેટ અને જો રૂટ વચ્ચે બીજી વિકેટ માટે ૮૦ બૉલમાં ૧૦૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્માએ શુભમન ગિલ સાથે ૧૪૭ રનની ભાગીદારી કર્યા બાદ વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે ૮૬ બૉલમાં ૧૧૩ રન કર્યા હતા.  

વન-ડે ઇતિહાસમાં ૧૦૦ પ્લસ રનની ભાગીદારીમાં વિરાટ કોહલી ૮૭ વખત અને રોહિત શર્મા ૭૩ વખત સામેલ રહ્યો છે. આ બન્નેથી આગળ આ લિસ્ટમાં ૯૯ ભાગીદારી સાથે સચિન તેન્ડુલકર ટૉપ પર છે. વન-ડેમાં સૌથી વધુ ૧૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ એકસાથે કરવા મામલે ૨૧ વખત સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી બીજા ક્રમે છે. આ લિસ્ટમાં સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલી ૨૬ શતકીય ભાગીદારી સાથે પહેલા ક્રમે છે.   

રોહિતની સદી, ગિલ-વિરાટના ૭૦ પ્લસ રન એળે ગયા

ભારતીય ઓપનર્સે ૨૪.૨ ઓવરમાં ૧૪૭ રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ ૧૧૦ બૉલમાં ૧૩૮ રન અને શુભમન ગિલે ૮૪ બૉલમાં ૭૭ રન કર્યા હતા. વિરાટ કોહલીએ ૬૦ બૉલમાં ૭૪ રનનું યોગદાન આપ્યું હતું.  લૉર્ડ્‍સમાં રમેલી ૧૦ વન-ડે ઇનિંગ્સમાં વિરાટનો આ હાઇએસ્ટ સ્કોર પણ હતો.  

અંતિમ ૭ ઓવરમાં પચીસ રનની અંદર પાંચ વિકેટ ગુમાવીને ભારત જીતથી દૂર થયું હતું. મીડિયમ ફાસ્ટ બોલર સૅમ કરૅને ૭૫ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જેકબ બેથલને ૧-૧ વિકેટ મળી હતી. 

લૉર્ડ્‍સમાં વન-ડેનો સૌથી મોટો ટીમ સ્કોર

૨૦૨૬માં ભારત સામે ઇંગ્લૅન્ડનો સ્કોર ૩૮૭-૩
૨૦૨૬માં ઇંગ્લૅન્ડ સામે ભારતનો સ્કોર ૩૬૦-૭
૧૯૭૫માં ભારત સામે ઇંગ્લૅન્ડનો સ્કોર ૩૩૪-૪
૨૦૧૫માં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનો સ્કોર ૩૩૦-૮ 
૨૦૧૭માં આયરલૅન્ડ સામે ઇંગ્લૅન્ડનો સ્કોર ૩૨૮-૬

લૉર્ડ્‍સમાં વન-ડેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર

૨૦૨૬માં ભારત સામે બેન ડકૅટ : ૧૪૧ રન 
૨૦૨૬માં ઇંગ્લૅન્ડ સામે રોહિત શર્મા : ૧૩૮ રન
૧૯૭૯માં ઇંગ્લૅન્ડ સામે વિવિ રિચર્ડ્ સ : ૧૩૮ રન 
૧૯૭૫માં ભારત સામે ડેનિસ ઍમિસ : ૧૩૭ રન
૨૦૦૧માં પાકિસ્તાન સામે માર્કસ ટ્રેસ્કોથિક : ૧૩૭ રન

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 11:18 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK