ડોમેસ્ટિક ક્રિકેટ મૅચ પહેલાં કોકેન લેવાને કારણે તેના પર એક મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો
ડગ બ્રેસવેલ
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રોહિત શર્મા (ચાર ઇનિંગ્સમાં બે વાર), વીરેન્દર સેહવાગ (ત્રણ ઇનિંગ્સમાં બે વાર) અને સચિન તેન્ડુલકર (ત્રણ ઇનિંગ્સમાં એક વાર) જેવા ભારતીય સ્ટારને આઉટ કરનાર ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલ વિવાદોમાં ફસાયો છે. ડોમેસ્ટિક ક્રિકેટ મૅચ પહેલાં કોકેન લેવાને કારણે તેના પર એક મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો.
ન્યુ ઝીલૅન્ડ સ્પોર્ટ્સ ઇન્ટિગ્રિટી કમિશન દ્વારા ગઈ કાલે પહેલી વાર તેના પરના પ્રતિબંધની વિગતો જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૪માં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ અને વેલિંગ્ટન વચ્ચેની ડોમેસ્ટિક T20 મૅચ બાદ તે ડોપિંગ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો હતો. આ મૅચ પહેલાં કોકેનનું સેવન કરીને તેણે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ તરફથી બે કૅચ પકડીને અને બે વિકેટ લઈને ૩૦ રન પણ ફટકાર્યા હતા તથા પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.
ADVERTISEMENT
રિકવરી પ્રોગ્રામ પૂરો કરવાની શરતે તેનો ત્રણ મહિનાનો પ્રતિબંધ ઘટાડીને એક મહિનાનો કરવામાં આવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં તેના પર એક મહિનાનો બૅન મૂકવામાં આવ્યો હતો એટલે કે તે હવે ફરી ક્રિકેટ-મૅચ રમી શકે છે. ન્યુ ઝીલૅન્ડ માટે ૨૮ ટેસ્ટ, ૨૧ વન-ડે અને ૨૦ T20 રમનાર આ ૩૪ વર્ષના ક્રિકેટરે છેલ્લે માર્ચ ૨૦૨૩માં ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. તેના પપ્પા, ત્રણ અંકલ અને એક કઝિન ભાઈ ન્યુ ઝીલૅન્ડ માટે ક્રિકેટ રમી ચૂક્યા છે.