UAEએ આપેલા ૧૬૧ રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાને ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૨ રન કર્યા
અઝમતુલ્લા ઓમરઝાઈ ૪ વિકેટ લીધા બાદ ૪૦ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો
દિલ્હીમાં ગઈ કાલે અફઘાનિસ્તાનને વર્તમાન T20 વર્લ્ડ કપ 2026ની પહેલી જીત મળી હતી. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ એક વ્યક્તિગત ફિફ્ટીના આધારે ૯ વિકેટ ગુમાવીને ૧૬૦ રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો. અફઘાનિસ્તાને ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૨ રનનો સ્કોર કરીને ૧૬૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. T20 ક્રિકેટમાં અફઘાનિસ્તાને UAE સામે લાગલગાટ ચોથી જીત નોંધાવી હતી.
UAEએ બે ઓવરમાં ૧૩ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ત્રીજા અને ચોથા ક્રમના બૅટરે ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. ત્રીજા ક્રમે ઊતરી અલીશાન શરાફુએ ૩૧ બૉલમાં ૩ ફોર અને બે સિક્સના આધારે ૪૦ રન કર્યા હતા. ચોથા ક્રમે રમીને શોએબ ખાને ૪૮ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સના આધારે ૬૮ રન ફટકાર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર અઝમતુલ્લા ઓમરઝાઈએ પોતાના સ્પેલમાં માત્ર ૧૫ રન આપીને ૪ વિકેટ અને સ્પિનર મુજિબ ઉર રહમાને ૩૧ રન આપીને બે વિકેટ લીધી હતી. અંતિમ ઓવર્સમાં UAEએ રનઆઉટથી બે અને હિટવિકેટથી એક વિકેટ ગુમાવી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ દરમ્યાન રહમાનુલ્લાહ ગુરબાઝ બીજા જ બૉલ પર ઝીરોમાં આઉટ થયો ત્યારે અન્ય ઓપનર ઇબ્રાહિમ ઝદરાને ફિફ્ટી ફટકારીને ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. ઇબ્રાહિમ ઝદરાને ૪૧ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સ ફટકારીને ૫૩ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમી રહેલા ઑલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈએ ૨૧ બૉલમાં બે ફોર અને ૩ સિક્સના આધારે અણનમ ૪૦ રન ફટકારીને રન-ચેઝને સરળ બનાવી દીધી હતી. UAEના પેસ બોલર્સ મોહમ્મદ અરફાન અને જુનેદ સિદ્દીકીને ૨-૨ સફળતા મળી હતી.
432
રેકૉર્ડ આટલા બૅટર્સને T20 ક્રિકેટમાં ઓછામાં ઓછા એક વખત આઉટ કરી ચૂક્યો છે રાશિદ ખાન.
અન્ય બે ફૉર્મેટમાં પહેલી વખત ૭૦૦ વિકેટ કોણે લીધી હતી?
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૭૦૦ વિકેટ લેવાનો વિક્રમ પહેલી વખત ઇંગ્લૅન્ડના વિલિયમ લિલીવાઇટે કર્યો હતો. તેણે ૧૮૪૦માં આ સિદ્ધિ મેળવી હતી. ૫૦-૫૦ ઓવરના લિસ્ટ A ફૉર્મેટમાં પાકિસ્તાનના વસીમ અકરમે પહેલી વખત ૭૦૦ વિકેટ લીધી હતી. તેણે ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી.
સ્પિનર દ્વારા એક પણ વિકેટ ન મેળવી શકનાર UAE ટુર્નામેન્ટની એકમાત્ર ટીમ
વર્તમાન T20 વર્લ્ડ કપ 2026માં ૨૦ ટીમમાંથી માત્ર UAE જ એક એવી ટીમ છે જેના સ્પિનર્સને એક પણ વિકેટ નથી મળી. આ ટીમના સ્પિનર્સે ૨૧ ઓવર ફેંકીને ૧૭૬ રન આપ્યા છે, પણ એક પણ વિકેટ નથી લીધી. UAEના સ્પિનર્સે ૮.૮૩ના ઇકૉનૉમી-રેટથી રન આપ્યા હતા અને ૨૬.૧ ટકા ડૉટ બૉલ ફેંક્યા હતા.
T20 ક્રિકેટમાં ૭૦૦ વિકેટનો વિક્રમ કર્યો અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને
અફઘાનિસ્તાનના કૅપ્ટન અને સ્પિનર રાશિદ ખાને ગઈ કાલે ૪ ઓવરમાં ૨૪ રન આપીને એક વિકેટ લીધી હતી. તેના બૉલ પર UAEનો મોહમ્મદ અરફાન હિટવિકેટ થઈને આઉટ થયો હતો. રાશિદ ખાનની આ સાતસોમી T20 વિકેટ હતી. T20 ઇન્ટરનૅશનલની ૧૯૧ વિકેટ સાથે તે આ ફૉર્મેટમાં ૭૦૦ વિકેટનો વિક્રમ સર્જનાર પહેલો બોલર બન્યો હતો.
વિશ્વભરની ફ્રૅન્ચાઇઝી લીગમાં રમતા રાશિદ ખાને ૧૧૪ T20 ઇન્ટરનૅશનલ મૅચ સહિત આ ફૉર્મેટમાં ટોટલ ૫૧૮ મૅચ રમી છે. તેણે એશિયામાં રેકૉર્ડ ૪૦૬ અને ભારતમાં ૧૮૧ T20 વિકેટ લીધી છે. વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડ્વેઇન બ્રાવો હાઇએસ્ટ T20 વિકેટ ટેકરના લિસ્ટમાં ૬૩૧ વિકેટ સાથે બીજા ક્રમે છે. ડ્વેઇન બ્રાવો અગાઉ ૩૦૦, ૪૦૦, ૫૦૦ અને ૬૦૦ T20 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની ડબલ સુપર ઓવર હારનો ગુસ્સો રાશિદ ખાન ઍન્ડ કંપનીએ તંદૂરી ચિકન ખાઈને શાંત કર્યો હતો
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ૧૧ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ ઇતિહાસની પહેલી ડબલ સુપર ઓવર રમાઈ હતી. આ મૅચમાં સાઉથ આફ્રિકાએ બાજી મારતાં અફઘાનિસ્તાની પ્લેયર્સ મેદાન પર ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. અફઘાની કૅપ્ટન રાશિદ ખાને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘૨૦૨૩માં વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ૨૯૨ રનનો ટાર્ગેટ સેટ કરવા પછી મળેલી હાર જેવી જ અમદાવાદની આ હાર હતી. એ ક્યારેય અમારા મગજમાંથી બહાર થશે નહીં.’
રાશિદ ખાને ખુલાસો કર્યો હતો કે ‘અમદાવાદમાં મૅચ બાદ ડિનર માટે ટીમ-મૅનેજરને ઘણા બધા ફૂડનો ઑર્ડર આપવા કહ્યું હતું. અમે પેશાવરી ભોજન જેમ કે દાલ-બુખારા, દાલ-મખનીનો ઑર્ડર કર્યો હતો. અમે તંદૂરી ચિકન પણ મગાવ્યું જેથી અમે એ ખાઈને અમારો ગુસ્સો કાઢી શકીએ. અમે બધાએ મૅનેજરની રૂમમાં ભેગા થઈને ડિનર કર્યું હતું. એકબીજાને ટેકો આપીને અમે સકારાત્મક વાતો કરી હતી.’
