આજની ત્રણ મૅચ - ઑસ્ટ્રેલિયા vs ઝિમ્બાબ્વે, કૅનેડા vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ, અમેરિકા vs નેધરલૅન્ડ્સ
આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ, ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા
ઑસ્ટ્રેલિયા vs ઝિમ્બાબ્વે : સવારે ૧૧.૦૦ વાગ્યે, કોલંબો
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સાતમા દિવસે પહેલી મૅચ ઑસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે કોલંબોમાં રમાશે. ગ્રુપ Bની આ બન્ને ટીમે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. શું ઑસ્ટ્રેલિયાનો રેગ્યુલર કૅપ્ટન મિચલ માર્શ ઇન્જરીમાંથી પાછો ફરશે? અને સ્ટીવ સ્મિથ ટીમ સાથે જોડાઈને મેદાનમાં રમવા ઊતરશે કે નહીં એના પર સૌની નજર હશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૦૭ અને ૨૦૧૮માં ત્રણ T20 મૅચો રમાઈ હતી. ઝિમ્બાબ્વે પહેલા વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૩૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે પહેલી T20 મૅચ જીત્યું હતું.
ADVERTISEMENT
કૅનેડા vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ : બપોરે ૩.૦૦ વાગ્યે, દિલ્હી

UAEનો કૅપ્ટન મુહમ્મદ વસીમ, કૅનેડાનો કૅપ્ટન દિલપ્રીત બાજવા
ગ્રુપ Dની ટીમ કૅનેડા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) આજે દિલ્હીમાં વર્તમાન વર્લ્ડ કપની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે. પોતાની પહેલી મૅચમાં કૅનેડા ૫૭ રને સાઉથ આફ્રિકા સામે અને UAE ૧૦ વિકેટે ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યું હતું. આ બન્ને વચ્ચે ઑક્ટોબર ૨૦૧૯ બાદ પહેલી વખત T20 મૅચ રમાશે. અબુ ધાબીમાં એકમાત્ર T20 મૅચમાં UAEએ બાજી મારી હતી. બન્ને વચ્ચે ૨૦૨૩ અને ૨૦૨૪માં ત્રણ વન-ડે મૅચ રમાઈ છે એમાં UAE પહેલી મૅચ અને કૅનેડા બાકીની બે મૅચ જીત્યું હતું.
અમેરિકા vs નેધરલૅન્ડ્સ : સાંજે ૭.૦૦ વાગ્યે, ચેન્નઈ

અમેરિકાનો કૅપ્ટન મોનાંક પટેલ, નેધરલૅન્ડ્સનો કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્સ
મોનાંક પટેલની અમેરિકા ટીમ આજે નેધરલૅન્ડ્સ સામે વર્તમાન વર્લ્ડ કપની પહેલી જીત મેળવવાનો ટાર્ગેટ રાખશે. ગ્રુપ Aની ટીમ નેધરલૅન્ડ્સને પહેલી મૅચમાં પાકિસ્તાન સામે ૩ વિકેટે હાર અને નામિબિયા સામે ૭ વિકેટે જીત મળી હતી. અમેરિકાને ભારત સામે ૨૯ રને અને પાકિસ્તાન સામે ૩૨ રને હાર મળી હતી. અમેરિકા અને નેધરલૅન્ડ્સ વચ્ચે ૨૦૨૩ અને ૨૦૨૪ દરમ્યાન ત્રણ-ત્રણ વન-ડે અને T20 મૅચ રમાઈ હતી. આ તમામ મૅચમાં નેધરલૅન્ડ્સ વિજેતા ટીમ રહી હતી. મોનાંક પટેલની ટીમે પ્રતિષ્ઠા બચાવવા માટે નેધરલૅન્ડ્સ સામેનો આ હારનો સિલસિલો તોડવો પડશે.


