શ્રીલંકાએ આપેલા ૧૬૪ રનના ટાર્ગેટ સામે આયરલૅન્ડ ૧૪૩ રને ઑલઆઉટ થયું હતું
કુસલ મેન્ડિસ ૪૩ બૉલમાં ૫૬ રન અને કમિન્ડુ મેન્ડિસ ૧૯ બૉલમાં મૅચવિનિંગ ૪૪ રનની ઇનિંગ્સ રમ્યા હતા
કોલંબોમાં ગઈ કાલે સાંજની મૅચમાં સહ-યજમાન ટીમ શ્રીલંકાએ T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો હતો. આયરલૅન્ડ સામે શ્રીલંકન ટીમે ૨૦ રને જીત મેળવી હતી. શ્રીલંકાએ ૬ વિકેટે ૧૬૩ રન કર્યા હતા. જવાબમાં આયરલૅન્ડ ૧૦ વિકેટે ૧૪૩ રન જ કરી શક્યું હતું. શ્રીલંકાએ આયરલૅન્ડ સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ક્યારેય ન હારવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. આયરલૅન્ડ સામે આ શ્રીલંકાની ચોથી T20 જીત હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા શ્રીલંકાના વિકેટકીપર-બૅટર કુસલ મેન્ડિસે ૪૩ બૉલમાં પાંચ ફોરની મદદથી ૫૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ઑલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે ૪ ફોર અને ૨ સિક્સની મદદથી ૧૯ બૉલમાં ૪૪ રન ફટકારી દીધા હતા. શ્રીલંકાના બૅટર્સે ૭થી ૧૫ ઓવરમાં એક પણ બાઉન્ડરી ફટકારી નહોતી. અંતિમ ઓવર્સમાં આયરલૅન્ડના ફીલ્ડરોએ ૩ કૅચ પણ છોડ્યા હતા. આયરલૅન્ડ તરફથી પેસ બોલર બૅરી મૅકાર્થી અને સ્પિનર જૉર્જ ડૉકરેલને ૨-૨ સફળતા મળી હતી. બૅરી મૅકાર્થી T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં ૧૧ બૉલની સૌથી મોટી ઓવર ફેંકનાર છઠ્ઠો બોલર બન્યો હતો.
ADVERTISEMENT
આયરલૅન્ડ માટે હૅરી ટેક્ટરે ૩૪ બૉલમાં ૧ ફોરની મદદથી ૪૦ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકાના સ્પિનર્સ મહેશ થીક્ષણાએ ૨૩ રન અને વાનિન્દુ હસરંગાએ પચીસ રન આપીને ૩-૩ વિકેટ ઝડપી હતી.
16
T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ આટલી વખત ડક થયો શ્રીલંકાનો દાસુન શનાકા.


