T20 વર્લ્ડ કપમાં પહેલી વખત શ્રીલંકાના ત્રણ બૅટર્સે ફિફ્ટી ફટકારીને પાંચ વિકેટે ૨૨૫ રન કર્યા હતા, ઓમાન ૯ વિકેટે ૧૨૦ રન કરીને ૧૦૫ રને હાર્યું
કૅપ્ટન દાસુન શનાકાએ ૫૦ રન ફટકાર્યા હતા
પલેકેલેમાં ગઈ કાલે સવારે આયોજિત પહેલી મૅચમાં ઓમાને શ્રીલંકા સામે ૧૦૫ રને મોટી જીત મેળવી હતી. શ્રીલંકાએ પોતાની રેકૉર્ડ ત્રણ ફિફ્ટીની મદદથી પાંચ વિકેટે વર્તમાન વર્લ્ડ કપનો હાઇએસ્ટ સ્કોર ૨૨૫ રન ખડકી દીધા હતા. શ્રીલંકા સામેની પહેલવહેલી T20 ટક્કરમાં ઓમાન માત્ર એક ફિફટીના આધારે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૦ રન જ કરી શક્યું હતું. ૧૦૫ રનની હાર એ T20 ફૉર્મેટમાં શ્રીલંકાની બીજી સૌથી મોટી જીત હતી, પરંતુ ઓમાન માટે આ પહેલી ૧૦૦+ રનની હાર હતી.
શ્રીલંકાએ ૫.૧ ઓવરમાં ૪૨ રનના સ્કોરે બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે બૅટિંગ કરીને કુસલ મેન્ડિસે ૪૫ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૧ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા ઊતરેલા પવન રથનાયકે ૨૮ બૉલમાં ૮ ફોર અને ૧ સિક્સર ફટકારીને ધમાકેદાર ૬૦ રનની ઇનિંગ્સ રમ્યો હતો. કૅપ્ટન દાસુન શનાકાએ ૨૦ બૉલમાં બે ફોર અને પાંચ સિક્સરના આધારે ૫૦ રન કર્યા હતા. T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં પહેલી વખત ત્રણ શ્રીલંકન બૅટરે ફિફ્ટી ફટકારી છે. આ પહેલાં ભારત તરફથી બે વખત અને સાઉથ આફ્રિકા તરફથી એક વખત આ કમાલ થઈ છે. ઓમાનના ફાસ્ટ બોલર જીતેન રામાનંદીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ દરમ્યાન ઓમાનના બે બૅટર્સ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. મોહમ્મદ નદીમે ૫૬ બૉલમાં ૩ ફોર અને એક સિક્સરના આધારે ૫૩ રન કર્યા હતા. વસીમ અલીએ ૨૦ બૉલમાં ૩ સિક્સર ફટકારીને ૨૭ રન કર્યા હતા. શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મન્થા ચમીરા અને સ્પિનર મહેશ થીક્સાનાએ ૨-૨ વિકેટ લીધી હતી.
2500
આટલા T20 ઇન્ટરનૅશનલ રન શ્રીલંકા માટે ફટકારનાર પહેલો બૅટર બન્યો કુસલ મેન્ડિસ.
19
કૅપ્ટન તરીકે T20 વર્લ્ડ કપમાં આટલા બૉલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારવાના રોહિત શર્માના રેકૉર્ડની બરાબરી કરી દાસુન શનાકાએ.
પાકિસ્તાનમાં જન્મેલા મોહમ્મદ નદીમના નામે થયા આ બે રેકૉર્ડ
ઓમાનના ઑલરાઉન્ડર મોહમ્મદ નદીમે શ્રીલંકા સામે બાવન બૉલમાં ફિફટી પૂરી કરી હતી. T20 વર્લ્ડ કપમાં સ્લોએસ્ટ ફિફટી ફટકારવાના મામલે તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનની બરાબરી કરી હતી. રિઝવાને ૨૦૨૪માં કૅનેડા સામે બાવન બૉલમાં ફિફટી પૂરી કરી હતી. પાકિસ્તાનમાં જન્મેલો મોહમ્મદ નદીમ વર્તમાન વર્લ્ડ કપનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે. તે T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં ૫૦ રન ફટકારનાર ૪૩ વર્ષ ૧૬૧ દિવસનો ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો છે. આ પહેલાં ૨૦૦૯માં સનથ જયસૂર્યાએ ૩૯ વર્ષ ૩૪૫ દિવસની ઉંમરે ૫૦ રન ફટકારીને આ રેકૉર્ડ કર્યો હતો.


