૧૫૯ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકા પાંચ બૉલ પહેલાં ૧૬૧ રન કરીને ૬ વિકેટે જીત્યું
બે વિકેટ અને ૮૧ રન કરવા બદલ મેરિઝાન કેપ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી
મૅન્ચેસ્ટરમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ભારતને આ વર્લ્ડ કપની પહેલી હાર મળી હતી. ભારતે ૭ વિકેટ ગુમાવીને ૧૫૮ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૧૯.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૬૧ રન કરીને જીત્યું હતું. T20 વર્લ્ડ કપની બન્ને ટીમની આ પહેલી જ ટક્કર હતી. ૩ મૅચમાં બે-બે જીત સાથે બન્ને ટીમ સેમી-ફાઇનલની રેસમાં જળવાઈ રહી છે.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારત માટે ઓપનર શફાલી વર્માએ ૧૫ બૉલમાં ચાર ફોર અને એક સિક્સના આધારે ૩૧ રન કર્યા હતા. દીપ્તિ શર્માએ ૨૧ બૉલમાં ૨૯ રન અને કૅપ્ટન હરમનપ્રીત કૌરે બાવીસ બૉલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર્સ શબનીમ ઇસ્માઇલ અને મેરિઝાન કેપને બે-બે સફળતા મળી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ દરમ્યાન સાઉથ આફ્રિકા માટે ઓપનર તઝમીન બ્રિટ્સે ૩૬ બૉલમાં ૪૦ રન અને ચોથા ક્રમે રમીને મેરિઝાન કેપે ૪૫ બૉલમાં સાત ફોર અને ચાર સિક્સના આધારે અણનમ ૮૧ રન કર્યા હતા. ભારત તરફથી સ્પિનર શ્રી ચરણીએ ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

૨૦૦મી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવા બદલ હરમનપ્રીત કૌરને ટીમ તરફથી સ્પેશ્યલ જર્સી અને કૅપ મળી હતી
દિલ તૂટ્યું છે, પણ હું ફરીથી ઉડાન ભરીશ : શ્રેયન્કા પાટીલ
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પગની ઇન્જરીને કારણે ૨૩ વર્ષની સ્પિનર શ્રેયન્કા પાટીલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ બૅન્ગલોરની આ યુવા ક્રિકેટરે પહેલું રિઍક્શન આપતાં એક ઇમોશનલ નોટ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરી છે.
શ્રેયન્કા પાટીલે લખ્યું છે કે ‘દરેક સ્વપ્ન સાચું નથી થતું. આ વખતે ઘા સૌથી ગહેરો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મળેલા પ્રેમથી હું અભિભૂત થઈ છું. તમારા મેસેજ, રીલ્સ મેં જોયાં છે અને હું એની સરાહના કરું છું.’
શ્રેયન્કા પાટીલ વધુમાં કહે છે કે ‘હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો ઇચ્છે છે કે હું આ મુશ્કેલીમાંથી બહાર આવી જાઉં. દરેક સ્વપ્ન સાચું નથી થતું, પણ હું સપનાં જોવાનું છોડીશ નહીં. ગયા વર્ષની જેમ હું ફરી કહું છું કે દિલ તૂટ્યું છે, પણ હું ફરીથી ઉડાન ભરીશ. છેલ્લાં બે વર્ષમાં ઇન્જરીઓને કારણે શ્રેયન્કા પાટીલે IPL અને ભારતીય ટીમ માટેની અનેક મૅચ ગુમાવી હતી.
વિમેન્સ T20 વર્લ્ડ કપ જીતવાની રેસમાંથી આઉટ થઈ આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, પાકિસ્તાનની ટીમ
શનિવારે સાંજે બંગલાદેશના ૧૨૩/૬ના સ્કોર સામે પાકિસ્તાન ૮ વિકેટે ૧૦૦ રન કરીને ૨૩ રને હાર્યું. સતત ત્રણ હારને કારણે ગ્રુપ-Aમાં નેધરલૅન્ડ્સની સાથે પાકિસ્તાન પણ ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થયું.
શનિવારે મોડી રાતે શરૂ થયેલી મૅચમાં ઇંગ્લૅન્ડ પાંચ વિકેટે ૨૦૦ રન કર્યા બાદ સ્કૉટલૅન્ડને ૧૬૨/૭નો સ્કોર કરીને ૩૮ રને જીત્યું હતું.
ગઈ કાલે બપોરે ૧૯.૪ ઓવરમાં ૯૮ રને ઑલઆઉટ થયેલા શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડીઝે ૧૬.૧ ઓવરમાં ૯૯/૫નો સ્કોર કરીને જીત્યું હતું.
ગ્રુપ-Bમાં આયરલૅન્ડની ટીમ ત્રણ હારને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ચૂકી છે.
