આ મેદાન પર ઇંગ્લૅન્ડને છેલ્લી હાર ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા સામે મળી હતી
ચોથી ટેસ્ટ-મૅચ માટે રણનીતિ બનાવતા કૅપ્ટન શુભમન ગિલ, હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજિત અગરકર.
મૅન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમ ઇંગ્લૅન્ડ ટીમ માટે ટેસ્ટ-ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ ગઢ રહ્યું છે. આ મેદાન પર ઇંગ્લૅન્ડ ૧૮૮૪થી ૨૦૨૪ વચ્ચે ૮૪ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી ૩૩ જીત અને ૧૫ હાર મળી છે, જ્યારે ૩૬ મૅચ ડ્રૉ રહી છે. આ મેદાન પર ઑસ્ટ્રેલિયા યજમાન ટીમ સામે સૌથી વધુ ૩૨ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી કાંગારૂને ૯ જીત અને ૭ હાર મળી છે, જ્યારે ૧૬ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ઇંગ્લૅન્ડ છેલ્લે આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બર ૨૦૧૯માં હાર્યું હતું. ત્યારથી ઇંગ્લૅન્ડે અહીં ૬ ટેસ્ટમાંથી પાંચમાં જીત મેળવી અને એક મૅચ ડ્રૉ રહી.
એશિયન ટીમોમાંથી માત્ર પાકિસ્તાન જૂન ૨૦૦૧માં આ મેદાન પર ઇંગ્લૅન્ડને માત આપવામાં સફળ રહ્યું હતું. પાકિસ્તાન અહીં ૭ ટેસ્ટ રમ્યું છે જેમાંથી ૩માં હાર મળી છે અને ૩ ડ્રૉ રહી છે. બંગલાદેશ (૨૦૧૦) અને શ્રીલંકા (૨૦૦૨ અને ૨૦૨૪) અનુક્રમે એક અને બે ટેસ્ટ-મૅચ રમ્યાં છે જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયન ટીમોમાંથી અહીં સૌથી વધુ નવ ટેસ્ટ રમનાર ભારત ચાર હાર અને પાંચ ડ્રૉ મૅચ રમ્યા બાદ પહેલી જીતની શોધમાં છે.
ADVERTISEMENT
બોલિંગ-પ્રૅક્ટિસની તૈયારી કરતો જસપ્રીત બુમરાહ અને વિકેટકીપિંગની પ્રૅક્ટિસ કરતો ઇન્જર્ડ થયેલો રિષભ પંત.
ચોથી ટેસ્ટમાં રમશે બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પ્રેસ-કૉન્ફરન્સમાં ગઈ કાલે ખુલાસો કર્યો કે ‘જ્યાં સુધી હું જાણું છું ચોથી ટેસ્ટમાં જસ્સીભાઈ (જસપ્રીત બુમરાહ) રમશે. અમારું ટીમ-કૉમ્બિનેશન દિવસે-દિવસે બદલાઈ રહ્યું છે (ઇન્જરીને કારણે).’
ચોથી ટેસ્ટ-મૅચ પહેલાં ફાસ્ટ બોલર આકાશ દીપ અને રિષભ પંતની ફિટનેસ પણ ટીમ માટે ચિંતાનો વિષય બની છે.
ટીમ ઇન્ડિયાનો ઇન્જર્ડ અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ અને નીતીશ કુમાર રેડ્ડી સિરીઝમાંથી આઉટ
ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લૅન્ડ સામેની બાકીની બે ટેસ્ટ-મૅચ માટે મહત્ત્વપૂર્ણ અપડેટ શૅર કરી છે. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઇન્જરીને કારણે બાકીની બે મૅચમાંથી બહાર થયો છે. જિમમાં ડાબા ઘૂંટણમાં ઇન્જરીનો સામનો કરનાર આ ઑલરાઉન્ડરે બે ટેસ્ટ રમીને ૪૫ રનની સાથે ૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ડાબા હાથમાં ઇન્જરીને કારણે ચોથી ટેસ્ટ-મૅચ નહીં રમશે. તે હજી સુધી ટેસ્ટ-ડેબ્યુ કરી શક્યો નથી.

