રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૩૦૦૦ રન કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયાની ટેસ્ટ અને વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ૩૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ઇન્ડિયન પ્લેયર બનીને મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુ ઝીલૅન્ડ સામે બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી બે ટેસ્ટની સિરીઝની પ્રથમ મૅચના ત્રીજા દિવસે શનિવારે શુભમન ગિલે ૯૮ રનની શાનદાર ઇનિંગ્સ રમીને આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. વિસ્ફોટક વિકેટકીપર-બૅટર રિષભ પંતે પણ આ જ ઇનિંગ્સ દરમ્યાન આ સિદ્ધિ મેળવીને ૩૦૦૦ WTC રન પૂરા કરનાર બીજો ઇન્ડિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
૨૦૧૯માં શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં આ ટેસ્ટ-મૅચ પહેલાં શુભમન ગિલના નામે ૭૬ ઇનિંગ્સમાં ૨૯૧૭ રન હતા, જ્યારે રિષભ પંતના ખાતામાં ૨૯૪૮ રન નોંધાયેલા હતા. ત્રીજા દિવસના અંતિમ સેશનમાં ૧૧૫મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સના બૉલ પર સિક્સર ફટકારીને શુભમન ગિલે ૩૦૦૦ WTC રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ માટે શુભમન ગિલને ૮૩ રનની જરૂર હતી. શુભમન ગિલની સિદ્ધિના થોડા સમય બાદ રિષભ પંતે પણ WTCના ઇતિહાસમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. વેલિંગ્ટન ટેસ્ટ પહેલાં રિષભ પંતને આ આંકડા સુધી પહોંચવા માટે બાવન રનની જરૂર હતી. તેણે ૧૨૩મી ઓવરમાં ફોર ફટકારીને ૩૦૦૦ રન પૂરા કર્યા હતા અને તે દરમ્યાન પોતાની બાવીસમી ટેસ્ટ હાફ-સેન્ચુરી પણ નોંધાવી હતી. આ ઉપરાંત રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૩૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર પણ બન્યો છે.
