Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વરસાદી વાતાવરણમાં ભારતનો રોમાંચક વિજય

વરસાદી વાતાવરણમાં ભારતનો રોમાંચક વિજય

Published : 08 November, 2026 08:09 AM | Modified : 08 November, 2026 08:18 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડે આપેલા ૧૩૫ રનના ટાર્ગેટ સામે ભારતે ૧૧૩ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મૅચ પડતી મૂકવી પડી, એ તબક્કે DLS મેથડથી ભારત આગળ હતું એટલે ૪ રનથી જીત્યું : વન-ડે સિરીઝમાં હવે ૨-૦થી આગળ.

વિજયની ઉજવણી કરતી ભારતીય ટીમ

વિજયની ઉજવણી કરતી ભારતીય ટીમ


બૅટિંગમાં ધબડકો થયો હોવા છતાં ભારતીય ટીમે વરસાદથી પ્રભાવિત બીજી વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) મેથડથી ૪ રને પરાજય આપ્યો હતો. ૧૩૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે ૨૬ ઓવરમાં ૧૧૩ રન બનાવીને ૭ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ એ સમયે સતત વરસાદ ખાબકતાં રમત અટકાવી દેવામાં આવી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ૪૧ ઓવરમાં ૧૩૪ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. વરસાદના વિલંબને કારણે મૅચ ૪૭ ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમ માટે આ લક્ષ્યાંક આસાન જણાતો હતો, પરંતુ જેકબ ડફી અને કાઇલ જૅમિસને ૩-૩ વિકેટ લઈને ભારતીય બૅટિંગ લાઇન-અપને ભારે દબાણમાં મૂકી દીધી હતી.



ગિલનું ગોલ્ડન ડક


ભારતની ઇનિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કૅપ્ટન શુભમન ગિલ પ્રથમ ઓવરમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ એક સુંદર કવર ડ્રાઇવ ફટકારી હતી, પરંતુ ચોથી ઓવરમાં ડફીના બોલ પર તે માત્ર ૭ રને કૅચઆઉટ થયો હતો. રોહિત શર્મા પણ ૨૮ બોલમાં ૨૩ રન બનાવીને જૅમિસનનો શિકાર બન્યો હતો. ૧૧ ઓવરમાં ભારતે ૪૦ રને ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમા નંબરે બૅટિંગ કરવા આવેલો અક્ષર પટેલ ૭ રન બનાવીને આઉટ થતાં ભારતીય ટીમ તેરમી ઓવરમાં ૪૭ રને ૪ વિકેટ સાથે સંકટમાં મુકાઈ ગઈ હતી.

શ્રેયસ-રાહુલની ભાગીદારી


એ પછી શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલે પાંચમી વિકેટ માટે ૩૯ રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ઐયરે ૪૬ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૦ રન બનાવ્યા હતા, પરંતુ જૅમિસનના તીક્ષ્ણ શૉર્ટ બૉલ પર તે આઉટ થયો હતો. રાહુલે લય મેળવીને રન બનાવવાનું શરૂ કર્યું હતું. નમન ધીરે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ડફીના બૉલ પર કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ અંશુલ કમ્બોજ પણ જૅમિસનનો શિકાર બનતાં ભારતે ૨૬ ઓવરમાં ૧૧૩ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી.

મૅચ અટકી પડી

કે. એલ. રાહુલ ૨૬ રને અને આકિબ નબી ૧ રને ક્રીઝ પર હતા ત્યારે જોરદાર વરસાદ શરૂ થયો હતો. ૨૬ ઓવરના અંતે ભારત DLS મેથડ પ્રમાણે ન્યુ ઝીલૅન્ડ કરતાં આગળ હતું એટલે ૪ રનથી એનો વિજય થયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફની ભારે મહેનત છતાં સ્થિતિ રમવા યોગ્ય ન થતાં આખરે મૅચ રોકી દેવામાં આવી હતી અને ભારતને ૪ રને વિજયી જાહેર કરાયું હતું.

ગુરનૂર બરાડ ઝળક્યો અગાઉ ન્યુ ઝીલૅન્ડ ૧૩૪ રનમાં સમેટાઈ ગયું હતું. ભારતીય બોલર ગુરનૂર બરાડે કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૩૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આકિબ નબી અને અંશુલ કમ્બોજે શરૂઆતમાં જ આંચકા આપીને ૨૩ રનમાં ૩ વિકેટ પાડી દીધી હતી. ડૅરિલ મિચલે ૧૦૪ બૉલમાં ૫૫ રન અને મિચલ સૅન્ટનરે ૩૧ રન કરીને છઠ્ઠી વિકેટ માટે ૫૯ રનની ભાગીદારી નોંધાવી હતી. બરાડે સૅન્ટનર અને નૅથન સ્મિથને આઉટ કર્યા હતા. અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી, જ્યારે કમ્બોજે છેલ્લી વિકેટ ઝડપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 08:18 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK