ભારતના પેસ-અટૅક સામે ન્યુ ઝીલૅન્ડ ૧૮૫ રનમાં આૅલઆઉટ, ટીમ ઇન્ડિયાએ વરસાદથી પ્રભાવિત મૅચ આસાનીથી જીતીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી.
ગઈ કાલે પહેલી વન-ડેમાં ભારતીય ફાસ્ટ બોલરોની ત્રિપુટીએ તરખાટ મચાવ્યો હતો. અર્શદીપ સિંહે ૪ વિકેટ, ગુરનૂર બરાડે ત્રણ વિકેટ અને અંશુલ કમ્બોજે ૨ વિકેટ લીધી હતી. અંશુલને માત્ર ૨૨ રનમાં બે વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો
અર્શદીપ સિંહે ૭૦ રનમાં ૪ અને ગુરનૂર બરાડે ૪૪ રનમાં ૩ વિકેટ લીધી, ૧૦ ઓવરમાં માત્ર બાવીસ રન આપીને બે વિકેટ લેનારો અંશુલ કમ્બોજ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ : વિરાટે રનચેઝ દરમ્યાન ૮૭૪૧ રન બનાવીને સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો
અર્શદીપ સિંહ, ગુરનૂર બરાડ અને અંશુલ કમ્બોજની શાનદાર બોલિંગ બાદ સિનિયર બૅટર વિરાટ કોહલીની ૫૧ બૉલમાં ૭૪ રનની તોફાની ઇનિંગ્સના દમ પર ભારતે વરસાદથી પ્રભાવિત પ્રથમ વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે. ઈડન પાર્ક ખાતે બુધવારે રમાયેલી આ મૅચ જીતીને પ્રવાસી ભારતીય ટીમે પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.
ADVERTISEMENT
ભારતના યુવા પેસ-અટૅકે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ન્યુ ઝીલૅન્ડને ૪૦.૨ ઓવર્સમાં માત્ર ૧૮૫ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. વરસાદના વિઘ્ન બાદ ભારતીય ટીમે ૨૨.૪ ઓવર્સમાં સુધારેલો ૧૪૩ રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને વટાવી લીધો હતો.
ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે ઓપનિંગ ઓવરમાં જ રોહિત શર્મા ૬ બૉલમાં શૂન્ય રને કાઇલ જૅમિસનની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ કોહલી કૅપ્ટન શુભમન ગિલ સાથે જોડાયો હતો અને બન્નેએ મૅચ-વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. આ રનચેઝ દરમ્યાન બે વાર વરસાદનું વિઘ્ન નડતાં મૅચ ૩૨ ઓવર્સની કરવામાં આવી હતી અને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) મેથડ હેઠળ ભારતને ૩૨ ઓવર્સમાં ૧૪૩ રનનો નવો ટાર્ગેટ અપાયો હતો. રમત ફરી શરૂ થયા બાદ કોહલીએ ૧૬મી ઓવરમાં
મિડ-વિકેટ તરફ પુલ શૉટ ફટકારીને ૩૫ બૉલમાં પોતાની હાફ સેન્ચુરી પૂરી
કરી હતી.
ન્યુ ઝીલૅન્ડના શૉર્ટ-બૉલ અટૅક સામે પ્રભુત્વ જાળવી રાખીને કોહલીએ પોતાની ઇનિંગ્સમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઇનિંગ્સ સાથે તેણે વન-ડે રનચેઝમાં સચિન તેન્ડુલકરના ૮૭૨૦ રનના રેકૉર્ડને પાછળ છોડીને સૌથી વધુ ૮૭૪૧ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
શુભમન ગિલે ૫૬ બૉલમાં ૩૭ રન બનાવીને કોહલીને ઉત્તમ સાથ આપ્યો હતો. બન્ને વચ્ચે સદીની ભાગીદારી નોંધાઈ હતી, જે વન-ડેમાં ૨૭ ઇનિંગ્સમાં તેમની છઠ્ઠી ૧૦૦થી વધુ રનની પાર્ટનરશિપ હતી. ૧૯મી ઓવરમાં નૅથન સ્મિથે ગિલને વિકેટકીપરના હાથે કૅચઆઉટ કરાવીને આ જોડી તોડી હતી. કોહલીએ ભારતને સરળતાથી જીત તરફ દોરી જવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ૭૪ રનના સ્કોરે જેકબ ડફીના બૉલ પર ટિમ સાઇફર્ટના હાથે ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર તે કૅચઆઉટ થયો હતો. ડફીએ એ જ ઓવરમાં અક્ષર પટેલને શૂન્ય રને આઉટ કર્યો હતો, જ્યારે શ્રેયસ ઐયર ૧૫ રને આઉટ થતાં યજમાન ટીમને આશાનું કિરણ દેખાયું હતું. જોકે કે. એલ. રાહુલ અને નમન ધીરે વધુ કોઈ નુકસાન થવા દીધું નહોતું. નમન ધીરે નૅથન સ્મિથના બૉલ પર મિડ-વિકેટ તરફ ચોગ્ગો ફટકારીને ભારતની જીત પર મહોર મારી દીધી હતી.
અગાઉ અર્શદીપ સિંહે ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે ગુરનૂર બરાડે ૩ અને અંશુલ કમ્બોજે બે વિકેટ લઈને કિવી ટીમને ૧૮૫ રનમાં સમેટી લીધી હતી. ભારતના પેસ-અટૅકના સચોટ આક્રમણ સામે યજમાન ટીમ પાસે કોઈ જવાબ નહોતો અને એનો ધબડકો થતાં ભારતીય ટીમ માટે રનચેઝ સરળ બની ગયો હતો.

કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ગઈ કાલે મૅચવિનિંગ ૧૧૩ રનની ભાગીદારી કરી હતી. શુભમને ૩૭ રન અને વિરાટ કોહલીએ ૭૪ રન ફટકાર્યા હતા.
સંક્ષિપ્ત સ્કોર
ન્યુ ઝીલૅન્ડ : ૪૦.૨ ઓવરમાં ૧૮૫ ઑલઆઉટ (ટિમ સાઇફર્ટ ૩૮, બ્લેર ટિકનર ૩૪; અર્શદીપ સિંહ ૪-૭૦, ગુરનૂર બરાડ ૩-૪૪, અંશુલ કમ્બોજ ૨-૨૨)
ભારત : ૨૨.૪ ઓવરમાં ૫ વિકેટે ૧૪૩, DLS મેથડથી વિજય (વિરાટ કોહલી ૭૪, શુભમન ગિલ ૩૭; જેકબ ડફી ૩-૪૯, નૅથન સ્મિથ ૧-૨૧)
