આ ખાસ મૅચ બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીની શરૂઆત કરશે
ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ તસવીર)
એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટની ઇવેન્ટ પહેલાં ભારત અને યજમાન જપાન વચ્ચે ઐતિહાસિક પહેલી મેન્સ T20 મૅચ રમાશે. ભારત બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી શરૂ કરવા માટે જપાન સામે પુરુષોની T20I મેચ રમશે. સુઝુકી કપ તરીકે નિયુક્ત આ ખાસ મૅચ ૨૨ સપ્ટેમ્બરે સાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ પહેલી વાર છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ જપાનનો સામનો કરશે. વિમેન્સ ઇન્ટરનૅશનલમાં પણ કોઈ વખત આ બે દેશની મૅચ નથી રમાઈ.
આ મૅચ ‘સ્પોર્ટ 75’ પહેલનું પ્રથમ પગલું છે જે જપાનનાં વડા પ્રધાન સનાએ તાકાચી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક દરમ્યાન થયેલા કરારથી ઉદ્ભવ્યું હતું. આ પહેલનો હેતુ બન્ને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે, ખાસ કરીને ૨૦૩૬માં ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ રમતોનું આયોજન કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને.
જપાન વીસમી ટીમ હશે જેની સામે ભારતની મેન્સ ટીમ T20 મૅચ રમશે. જપાન મેન્સ T20 ટીમ-રૅન્કિંગમાં ૪૧મા ક્રમે છે. ભારત મેન્સ T20 ટીમ-રૅન્કિંગમાં પહેલા ક્રમે છે. જપાન આ મહિનાના અંતમાં શરૂ થનારી એશિયન ગેમ્સનું યજમાન પણ છે. એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટ ૧૭ સપ્ટેમ્બરથી અને મેન્સ ક્રિકેટ ઇવેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે.
