Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોલંબોમાં ભારત-પાકિસ્તાનની મૅચમાં વરસાદ બની શકે છે વિલન

કોલંબોમાં ભારત-પાકિસ્તાનની મૅચમાં વરસાદ બની શકે છે વિલન

Published : 15 February, 2026 10:14 AM | IST | Sri Lanka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Aમાં ટૉપર બનવા માટે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ. ૧૩ વર્ષ બાદ બન્ને ટીમ કોલંબોમાં સામસામે T20 મૅચ રમશે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત આઠમાંથી માત્ર એક મૅચ હાર્યું છે

પાકિસ્તાનના વિચિત્ર અને વિવાદાસ્પદ ઍક્શનવાળા બોલર ઉસ્માન તારિકની જેમ ગઈ કાલે સૂર્યકુમાર યાદવે નેટ-પ્રૅક્ટિસમાં બોલિંગ કરી હતી.

પાકિસ્તાનના વિચિત્ર અને વિવાદાસ્પદ ઍક્શનવાળા બોલર ઉસ્માન તારિકની જેમ ગઈ કાલે સૂર્યકુમાર યાદવે નેટ-પ્રૅક્ટિસમાં બોલિંગ કરી હતી.


શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનારી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની મૅચ પર આજે આખા વિશ્વની નજર રહેશે. બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આજે ગ્રુપ Aની મૅચ માટે એકબીજા સામે ટકરાશે. આ મૅચ જીતનાર ટીમ ગ્રુપમાં ટૉપર બનવાની હોવાથી બન્ને વચ્ચે આ પ્રતિષ્ઠાનો જંગ છે. પાકિસ્તાન સરકારના કહેવા પર પહેલાં પાકિસ્તાની ટીમ ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાની હતી. જોકે અપેક્ષા અનુસાર સરકારે અને ટીમે પોતાના નિર્ણયથી યુ-ટર્ન લેવો પડ્યો હતો.

જોકે આ હાઈ-વૉલ્ટેજ મૅચમાં વરસાદ વિલન બની શકે છે. વેધર રિપોર્ટ્‍સ અનુસાર સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા દરમ્યાન કોલંબોમાં વરસાદની સંભાવના છે. સાંજે ૬ વાગ્યે ૫૧ ટકા, ૭ વાગ્યે ૫૭ ટકા, ૮ વાગ્યે ૬૨ ટકા, ૯ વાગ્યે ૪૫ ટકા, ૧૦ વાગ્યે ૩૨ ટકા અને ૧૧ વાગ્યે ૩૩ ટકા વરસાદની સંભાવના છે. ટૉસના સમયથી જ મૅચમાં વરસાદનો આતંક જોવા મળી શકે છે.



આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં T20 રેકૉર્ડ કેવો રહ્યો છે?


વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં પહેલી વખત જ રમશે. આ પહેલાંની બન્ને મૅચ પાકિસ્તાને કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં રમી હતી. સપ્ટેમ્બર ૨૦૧૨માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેદાન પર એકમાત્ર T20 ટક્કર વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજ દરમ્યાન થઈ હતી. એમાં ભારતે ૧૨૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૮ વિકેટે જીત મેળવી હતી.

આ મેદાન પર ભારત ૨૦૦૯થી ૨૦૨૧ દરમ્યાન ૧૫ T20 મૅચ રમ્યું છે. એમાંથી ૧૧ મૅચ જીતી હતી અને ૪ મૅચમાં હાર મળી હતી. એ જ સમયગાળા દરમ્યાન પાકિસ્તાન આ મેદાન પર ૭ T20 મૅચ રમ્યું છે, એમાંથી પાંચમાં જીત અને બે મૅચમાં હાર મળી છે. આ મેદાન પર ભારતે હાઇએસ્ટ ૧૭૬ અને પાકિસ્તાને ૧૭૫ રન કર્યા છે.


ભારત અને પાકિસ્તાનનો T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ

બન્ને ટીમ વચ્ચે ૨૦૦૭થી ૨૦૨૫ દરમ્યાન ૧૬ T20 મૅચ રમાઈ છે. એમાંથી ભારતે એક સુપર ઓવર મૅચ સહિત તેરમાં વિજય નોંધાવ્યો છે. પાકિસ્તાન માત્ર ૩ મૅચ જીત્યું છે. ભારત સામેની આ ત્રણેય જીત ૨૦૧૨માં બૅન્ગલોરમાં દ્વિપક્ષીય સિરીઝ, ૨૦૨૧માં દુબઈમાં T20 વર્લ્ડ કપ અને ૨૦૨૨માં દુબઈમાં એશિયા કપની સુપર-ફોરની મૅચ દરમ્યાન મળી હતી. છેલ્લે T20 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલ સહિત સતત ૩ મૅચમાં હરાવ્યું હતું.

વન-ડે અને T20 વર્લ્ડ કપ સહિત ICC ટુર્નામેન્ટમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?

T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે ૮માંથી ૭ મૅચ જીતી છે. વન-ડે વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની આઠેય મૅચ ભારતે જીતી છે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની ૬ ટક્કરમાંથી બન્ને ટીમ ૩-૩ મૅચ જીતી છે. એટલે કે ઓવરઑલ બન્ને ટીમ ICC ટુર્નામેન્ટમાં બાવીસ વખત સામસામે રમી છે, એમાંથી ભારત સૌથી વધુ ૧૮ મૅચ જીત્યું છે જ્યારે પાકિસ્તાન માત્ર ૪ મૅચ જીત્યું છે.

હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં જોવા મળશે શાનદાર પર્ફોર્મન્સ

ભારતીય રૅપર-ગાયક હનુમાનકાઇન્ડ આજે બ્લૉકબસ્ટર ભારત અને પાકિસ્તાનની મૅચ પહેલાં એક શાનદાર લાઇવ પ્રી-મૅચ પર્ફોર્મન્સ આપશે. કેરલામાં જન્મેલા આ ૩૩ વર્ષના કલાકારનો પર્ફોર્મન્સ રમતના એક કલાક પહેલાં શરૂ થશે. તે હાલમાં બિગ ડૉગ્સ જેવાં હિટ ગીતો માટે ગ્લોબલ સ્ટેજ પર છવાઈ ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 10:14 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK