ભારતે શ્રીલંકા સામે 15થી 27 ઑગસ્ટ વચ્ચે રમાનારી બે ટેસ્ટની સિરીઝ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે, જ્યારે સારાંશ જૈનને પ્રથમ વખત સિનિયર સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
રવિન્દ્ર જાડેજા
૯ વર્ષ પછી ભારતીય ટીમ શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ રમશે. ૧૫થી ૨૭ ઑગસ્ટ વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. એ પહેલાં ભારતીય ટીમ ૭ ઑગસ્ટથી કોલંબોમાં ૪ દિવસીય વૉર્મ-અપ મૅચ પણ રમશે. શ્રીલંકા ટૂર માટે ગઈ કાલે ૧૫ સભ્યોની સ્ક્વૉડ પણ જાહેર કરવામાં આવી હતી.
અનુભવી સ્પિન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ-સ્ક્વૉડમાં વાપસી કરી છે. રવીન્દ્ર જાડેજા છેલ્લે નવેમ્બર ૨૦૨૫માં ટેસ્ટ-સિરીઝ રમ્યો હતો. મધ્ય પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ડિયા A ટીમ માટે ટેસ્ટ-મૅચો રમનાર સારાંશ જૈનને પહેલી વખત સિનિયર ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પહેલી ટેસ્ટ-મૅચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો. તેની ફિટનેસના મૂલ્યાંકન બાદ તેને બીજી ટેસ્ટ-મૅચમાં સામેલ કરવામાં આવી શકે છે. ઇન્જરીઓને કારણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓપનર સાઈ સુદર્શન BCCIના સેન્ટર ઑફ એક્સલન્સના ફિટનેસ ક્લિયરન્સ પછી મેદાન પર રમવા ઊતરી શકશે.
૩૩ વર્ષની ઉંમરે સારાંશ જૈન પાસે ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક
ADVERTISEMENT

રેડ-બોલ ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ મધ્ય પ્રદેશના ૩૩ વર્ષના સારાંશ જૈનને ભારતીય ટીમમાં પહેલી વખત સામેલ કરવામાં આવ્યો છે. તેણે મધ્યપ્રદેશ ટીમમાં પોતાને એક મુખ્ય ખેલાડી તરીકે સાબિત કર્યો છે અને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.
સારાંશ જૈને ૫૪ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં તેની ઑફ-સ્પિન બોલિંગ દ્વારા ૧૮૮ વિકેટ લીધી છે. નીચલા ક્રમમાં બૅટિંગ કરતા ઉપયોગી ડાબોડી બૅટ્સમેન તરીકે તેણે ૧૪ ફિફ્ટી અને બે સેન્ચુરીની મદદથી ૨૨૨૩ રન કર્યા છે. ગયા સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ ઝોનની દુલીપ ટ્રોફી જીતમાં તેણે બે મૅચમાં ૧૬ વિકેટ લઈને અને ૧૩૬ રન કરીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ૨૦૨૫-’૨૬ રણજી ટ્રોફી સીઝનમાં ૫૧૮ રન બનાવ્યા અને ૩૦ વિકેટ પણ લીધી હતી.
