Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે સતત ૧૧ વન-ડે સિરીઝ જીતનાર ન્યુ ઝીલૅન્ડનો વિજયરથ ભારત સામે અટક્યો

ઘરઆંગણે સતત ૧૧ વન-ડે સિરીઝ જીતનાર ન્યુ ઝીલૅન્ડનો વિજયરથ ભારત સામે અટક્યો

Published : 16 November, 2026 03:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડ સામે નિર્ણાયક વન-ડે મૅચ બાવીસ રને જીતીને ભારતે પાંચ મૅચની સિરીઝ ૩-૧થી જીતી લીધી

ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ ૩-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયા.

ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ ૩-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયા.


ભારતે મિડલ-આૅર્ડર અને પૂંછડિયા બૅટર્સની મદદથી માંડ-માંડ ૨૦૯ રનનો સ્કોર કર્યો, પણ બોલિંગ યુનિટના તરખાટને કારણે ન્યુ ઝીલૅન્ડ ૧૮૭ રનમાં આૅલઆઉટ થઈ ગયું

માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી નિર્ણાયક વન-ડે મૅચમાં બાવીસ રનની જીત મેળવીને ભારતે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડને ૩-૧થી માત આપી હતી. આ હારને કારણે ઘરઆંગણે સતત ૧૧ વન-ડે મૅચથી અપરાજિત રહેવાનો ન્યુ ઝીલૅન્ડનો સિલસિલો અટક્યો છે. સાત વર્ષ પહેલાં ૨૦૧૯માં કિવીઓ ઘરઆંગણે ભારત સામે ૧-૪થી સિરીઝ હાર્યા હતા.



પાંચમી વન-ડે મૅચમાં ટૉસ હારીને પ્રથમ ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર ભારતે મિડલ-ઑર્ડર અને પૂંછડિયા બૅટર્સના યોગદાનની મદદથી ૪૨.૧ ઓવરમાં ૨૦૯-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં યજમાન ન્યુ ઝીલૅન્ડ ૪૮.૧ ઓવરમાં ૧૮૭ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતે સફળતાપૂર્વક ડિફેન્ડ કરેલો એક ફુલ વન-ડે મૅચનો સૌથી લોએસ્ટ ટાર્ગેટ હતો.
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો, જ્યારે ફાસ્ટ બોલર ગુરનૂર બરાડને ૯ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. 
ભારતે ૧૭.૨ ઓવરમાં ૮૬ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઑર્ડરમાંથી શ્રેયસ ઐયરે ૨૬ બૉલમાં અને નમન ધીરે ૩૧ બૉલમાં ૨૨-૨૨ રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલે પાંચ ફોર, ૧ સિક્સની મદદથી પંચાવન બૉલમાં અને ઈશાન કિશને ૩ ફોર, બે સિક્સની મદદથી ૫૮ બૉલમાં ૪૬-૪૬ રન કર્યા હતા.


એક સમયે જ્યારે ભારતે ૧૮૩ રનના સ્કોર પર ૯ વિકેટ ગુમાવી હતી ત્યારે પૂંછડિયા બૅટર્સે ૧૦ બૉલમાં ૨૬ રન કરીને સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. મોહમ્મદ સિરાજે ૧ ફોર, ૧ સિક્સની મદદથી ૨૦ બૉલમાં અને અર્શદીપ સિંહે બે સિક્સની મદદથી ૪ બૉલમાં ૧૪-૧૪ રન ફટકાર્યા હતા. ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનર અને ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૩-૩ વિકેટ લીધી હતી. 
રન-ચેઝ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડે ૨૧.૩ ઓવરમાં ૮૩ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી હતી. નિક કેલીએ ૪૫ બૉલમાં અને મિચલ સૅન્ટરનરે ૩૧ બૉલમાં ૨૪-૨૪ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા બૅટર ડીન ફૉક્સક્રૉફ્ટે ૪૨ બૉલમાં પાંચ ફોરની મદદથી ૩૧ રન કર્યા હતા.
૩૧.૧ ઓવરમાં ભારતીય બોલિંગ યુનિટે ન્યુ ઝીલૅન્ડની સ્કોરલાઇન ૧૧૯-૬ કરી હતી. જોકે ભારતને અંતિમ ૪ વિકેટ ૪૧થી ૪૯મી ઓવર દરમ્યાન ૨૯ રનની અંદર મળી હતી. અર્શદીપ સિંહે ૩૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલને ૧-૧ વિકેટ અને આકિબ નબી, યશ ઠાકુર, નમન ધીરને ૧-૧ વિકેટ મળી હતી. 
૧૧૯ રનના સ્કોરના સ્કોર પર ડીન ફૉક્સક્રૉફ્ટની વિકેટ લઈને નવોદિત ફાસ્ટ બોલર યશ ઠાકુરે મૅચની દિશા બદલી નાંખી હતી.

અર્શદીપ સિંહે પૂંછડિયા બૅટર તરીકે બે રેકૉર્ડની બરાબરી કરી  
૧૧મા ક્રમે બૅટિંગ કરીને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બે સિક્સ ફટકારી હતી. વન-ડેમાં ૧૧મા ક્રમે રહીને પહેલા બૉલે સિક્સ ફટકારનાર ભારતીય તરીકે અર્શદીપ સિંહે અગાઉના વેન્કટેશ પ્રસાદ (૨૦૦૦) અને જસપ્રીત બુમરાહ (૨૦૧૯)ના રેકૉર્ડની બરાબરી કરી હતી. ૧૧મા ક્રમે રમીને વન-ડેમાં બે સિક્સ ફટકારનાર ભારતીય તરીકે તેણે વેન્કટેશ પ્રસાદ (૧૯૯૬) અને મોહમ્મદ શમી (૨૦૧૪)ના રેકૉર્ડની બરાબરી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK