India-England Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું નામ બદલાયું; પટૌડી ટ્રોફીને બદલે હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે આ સિરીઝ
સચિન તેંડુલકર, જેમ્સ એન્ડરસન (તસવીરોઃ એએફપી)
ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી (India-England Test Series) ૨૦ જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ (Indian Cricket Team) આ માટે રવાના થઈ ગઈ છે. સિરીઝ શરુ થાય એ પહેલા પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે તે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી (Tendulkar-Anderson Trophy) તરીકે ઓળખાશે. અગાઉ, બંને ટીમો વચ્ચે રમાતી આ શ્રેણી પટૌડી ટ્રોફી (Pataudi Trophy) તરીકે ઓળખાતી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી. પરંતુ હવે પટૌડી ટ્રોફીનું નામ બદલી (India-England Test Series) નાખવામાં આવ્યું છે. એટલે કે, આ વખતે ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી હવે પટૌડી ટ્રોફી તરીકે નહીં પરંતુ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન ટ્રોફી (Sachin Tendulkar and James Anderson Trophy, IND vs ENG Test Series) તરીકે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૨૦ જૂનથી શરૂ થઈ રહી છે. ૨૦ જૂને હેડિંગ્લી (Headingley)માં શરૂ થનારી શ્રેણી પહેલા તેંડુલકર-એન્ડરસન ટ્રોફીનું અનાવરણ કરવામાં આવશે. જોકે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (England and Wales Cricket Board - ECB)એ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, પટૌડી ટ્રોફી શ્રેણી વર્ષ ૨૦૦૭થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી હતી પરંતુ હવે પટૌડી ટ્રોફીને નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં ECBએ પટૌડી પરિવારને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ આ ટ્રોફીને રિટાયર કરવા માંગે છે.
વર્ષ ૨૦૦૭માં જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટના ૭૫ વર્ષ પૂર્ણ થયા, ત્યારે આ શ્રેણીનું નામ પટૌડી ટ્રોફી રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે પટૌડીને બદલે, આ ટેસ્ટ શ્રેણી તેંડુલકર-એન્ડરસન ટ્રોફી (Tendulkar-Anderson Trophy)ના નામે રમાશે. નોંધનીય છે કે, આ શ્રેણીનું નામ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઇફ્તિખાર અલી ખાન પટૌડી (Iftikhar Ali Khan Pataudi) અને મન્સૂર અલી ખાન પટૌડી (Mansoor Ali Khan Pataudi)ના માનમાં પટૌડી ટ્રોફી રાખવામાં આવ્યું હતું.
ભારતીય ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ૧૫,૯૨૧ રન સાથે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ૫૨ વર્ષીય આ ભૂતપૂર્વ ખેલાડીએ ૧૯૮૯ થી ૨૦૧૩ દરમિયાન ૨૦૦ ટેસ્ટ રમી હતી. તેણે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં અસંખ્ય રેકોર્ડ બનાવ્યા હતા. તે જ સમયે, જેમ્સ એન્ડરસન (James Anderson) ૭૦૪ વિકેટ સાથે ઈંગ્લેન્ડનો સર્વકાલીન સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ઝડપી બોલર છે. બંને દિગ્ગજો ૧૪ ટેસ્ટ મેચોમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. જેમાં એન્ડરસને તેંડુલકરને ૯ વખત આઉટ કર્યો છે. આ કોઈપણ બોલર દ્વારા આ ભારતીયના સૌથી વધુ આઉટ થવાનો રેકોર્ડ છે.
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ ૨૦ જૂનથી લીડ્સ (Leeds)માં રમાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ ૨ જુલાઈથી બર્મિંગહામ (Birmingham)માં રમાશે. ત્રીજી ટેસ્ટ ૧૦ જુલાઈથી લોર્ડ્સ (Lord`s)માં રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટર (Manchester)માં રમાશે. પાંચમી ટેસ્ટ ૩૧ જુલાઈથી લંડન (London)ના ઓવલ (Oval) ખાતે રમાશે. આ શ્રેણી સાથે, ભારતનું નવું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ચક્ર, ૨૦૨૫-૨૭ પણ શરૂ થશે.

