વર્તમાન ટુર્નામેન્ટમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડને એકમાત્ર હાર અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે જ મળી છે, T20 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામે ક્યારેય નથી જીત્યું ભારત
ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંજુ સૅમસન અને ઈશાન કિશન.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની દસમી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૧માં જ ફાઇનલ મૅચ રમ્યું છે. જો આજે ન્યુ ઝીલૅન્ડની ટીમ જીતે તો એ મેન્સ T20 વર્લ્ડ કપની નવી ચૅમ્પિયન ટીમ બનશે. ૨૦૦૭ અને ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ ભારત જો ટાઇટલ જીતશે તો આ ટુર્નામેન્ટમાં ૩ ટ્રોફી સાથે સૌથી સફળ ટીમ બની જશે. અમદાવાદના સ્ટેડિયમની ૧.૩૨ લાખથી વધુની ભીડ આજે T20 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ અથવા નવા ચૅમ્પિયનને જોશે. સૂર્યા ઍન્ડ કંપની પાસે મેન્સ T20 વર્લ્ડ કપમાં વર્ષોથી ચાલી આવતી ઘણી માન્યતાઓ તોડવાની તક રહેશે. તેઓ ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર, બૅક-ટુ-બૅક ટ્રોફી જીતીને ટાઇટલ ડિફેન્ડ કરનાર અને બેથી વધુ વખત ટાઇટલ જીતનાર પહેલી ટીમ બની શકે છે. બન્ને ટીમને મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પોતાની એકમાત્ર હાર અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે મળી હતી. ગ્રુપ-સ્ટેજ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ ૭ વિકેટથી હાર્યું હતું જ્યારે સુપર 8ની પહેલી જ ટક્કરમાં ભારત ૭૬ રને ખરાબ રીતે હાર્યું હતું. અમદાવાદમાં આ ફૉર્મેટમાં ભારત દસમાંથી ૭ મૅચ જીત્યું છે અને ૩ મૅચ હાર્યું છે. ન્યુ ઝીલૅન્ડ અહીં પોતાની બન્ને મૅચ હાર્યું છે.
અમદાવાદની મિશ્ર માટીની પિચ ઓછો ટર્ન અને સારો બાઉન્સ આપશે
ADVERTISEMENT
અમદાવાદમાં આજે જે પિચ પર ફાઇનલ મૅચ રમાશે એ મુંબઈની સેમી-ફાઇનલ મૅચની પિચ જેવી રહેશે એવી અપેક્ષા છે. મળતા અહેવાલ અનુસાર ફાઇનલ મૅચ માટે લાલ અને કાળી માટીના મિશ્રણથી તૈયાર થયેલી સ્ટેડિયમની સેન્ટર પિચનો ઉપયોગ કરવામાં આવશે, જે સારો ઉછાળ આપશે અને સીમર-ફ્રેન્ડ્લી હોવાની સાથે ઓછો ટર્ન આપશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં ભારતનો અને વર્લ્ડ કપ રેકૉર્ડમાં ન્યુ ઝીલૅન્ડનો દબદબો
બન્ને ટીમો વચ્ચે T20 ફૉર્મેટમાં ૩૦ મૅચ રમાઈ છે એમાંથી ભારત ૧૮ અને ન્યુ ઝીલૅન્ડ ૧૧ મૅચ જીત્યું છે. ૨૦૨૨માં એક મૅચ DLS મેથડથી ટાઇ રહી હતી. જાન્યુઆરી ૨૦૨૬માં ભારતે આ હરીફ સામે પાંચ મૅચની સિરીઝમાં ૪-૧થી જીત નોંધાવી હતી. મેન્સ T20 વર્લ્ડ કપની ત્રણેય મૅચમાં ભારત ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યું છે. ૨૦૦૭, ૨૦૧૬ અને ૨૦૨૧ની ગ્રુપ-સ્ટેજ લેવલની મૅચોમાં કિવીઓ ભારત સામે અનુક્રમે ૧૦ રને, ૪૭ રને અને ૮ વિકેટે જીત્યા હતા.
ICC સેમી-ફાઇનલ અને ફાઇનલમાં સામસામેના રેકૉર્ડ
૨૦૦૦ નૉકઆઉટ ટ્રોફી ફાઇનલ - ન્યુ ઝીલૅન્ડની ૪ વિકેટે જીત
૨૦૧૯ વન-ડે વર્લ્ડ સેમી-ફાઇનલ - ન્યુ ઝીલૅન્ડની ૧૮ રને જીત
૨૦૨૧ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ - ન્યુ ઝીલૅન્ડની ૮ વિકેટે જીત
૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ - ભારતની ૭૦ રને જીત
૨૦૨૫ ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ - ભારતની ૪ વિકેટે જીત
મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચનાં રિઝલ્ટ
૨૦૦૭ : પાકિસ્તાન સામે ભારતની પાંચ રને જીત
૨૦૦૯ : શ્રીલંકા સામે પાકિસ્તાનની ૮ વિકેટે જીત
૨૦૧૦ : ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડની ૭ વિકેટે જીત
૨૦૧૨ : શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડીઝની ૩૬ રને જીત
૨૦૧૪ : ભારત સામે શ્રીલંકાની ૬ વિકેટે જીત
૨૦૧૬ : ઇંગ્લૅન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની ૪ વિકેટે જીત
૨૦૨૧ : ન્યુ ઝીલૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાની ૮ વિકેટે જીત
૨૦૨૨ : પાકિસ્તાન સામે ઇંગ્લૅન્ડની પાંચ વિકેટે જીત
૨૦૨૪ : સાઉથ આફ્રિકા સામે ભારતની ૭ રને જીત
ભારતીય ટીમની ICC ફાઇનલ્સનાં રિઝલ્ટ
મૅચ - ૧૪
જીત - ૬
હાર - ૭
ડ્રૉ - ૧ ( શ્રીલંકા સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૦૨)
ન્યુ ઝીલૅન્ડની ICC ફાઇનલ્સનાં રિઝલ્ટ
મૅચ - ૭
જીત - ૨ (બન્ને ભારત સામે)
હાર - પ
