બીજી વન-ડે જીતીને ન્યુ ઝીલૅન્ડે સિરીઝ સમકક્ષ કરી નાખી, હવે રવિવારે ઇન્દોરમાં નિર્ણાયક મૅચ : ભારતના ૨૮૪/૭ સામે કિવીઓના સજ્જડ ૨૮૬/૩
ડૅરિલ મિચલે ફટકારી મૅચવિનિંગ સેન્ચુરી.
ગઈ કાલે રાજકોટમાં રમાયેલી સિરીઝની બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડે ભારતને ૭ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. ભારત વતી કે. એલ. રાહુલે ફટકારેલી શાનદાર અણનમ સદીને કિવી ઑલરાઉન્ડર ડૅરિલ મિચલની અણનમ સદીએ ઝાંખી પાડી દીધી હતી. ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં ભારતને બૅટિંગમાં ઉતાર્યું હતું. ભારતે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૪ રન કર્યા હતા, જેના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૪૭.૩ ઓવરમાં માત્ર ત્રણ વિકેટે ૨૮૬ રન કરીને સિરીઝ ૧-૧થી બરાબરી પર લાવી દીધી હતી. હવે નિર્ણાયક મૅચ રવિવારે ઇન્દોરમાં રમાશે.
ભારત વતી ગઈ કાલે ફરી એક વાર રોહિત શર્મા મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ ગયો હતો. તેણે ૩૮ બૉલમાં ૨૪ રન કર્યા હતા. કૅપ્ટન શુભમન ગિલે સતત બીજી હાફ સેન્ચુરી ફટકારીને ગઈ કાલે ૫૩ બૉલમાં ૫૬ રન કર્યા હતા. ગિલે પહેલી વન-ડેમાં પણ ૭૧ બૉલમાં ૫૬ રન કર્યા હતા. તે ૯૯ રનના સ્કોર પર આઉટ થયો એ પછી ભારતનો ધબડકો થયો હતો. ગિલ પછી ૧૧૫ રનના સ્કોર પર શ્રેયસ ઐયર (૧૭ બૉલમાં ૮) અને ૧૧૮ રનના સ્કોર પર વિરાટ કોહલી (૨૯ બૉલમાં ૨૩) આઉટ થઈ ગયા હતા. આ તબક્કે પાંચમા નંબરે આવેલા કે. એલ. રાહુલે ઇનિંગ્સને સંભાળી હતી અને તેણે ૯૨ બૉલમાં અણનમ ૧૧૨ રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ૪૪ બૉલમાં ૨૭ અને નીતીશ કુમાર રેડ્ડીએ ૨૧ બૉલમાં ૨૦ રન કર્યા હતા.
ન્યુ ઝીલૅન્ડની શરૂઆત નબળી રહી હતી અને એણે ૪૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પણ ત્રીજી વિકેટ માટે વિલ યંગ અને ડૅરિલ મિચલે ૧૬૨ રનની જોરદાર પાર્ટનરશિપ કરી હતી. યંગ ૯૮ બૉલમાં ૮૭ રન કરીને આઉટ થયો એ પછી ગ્લેન ફિલિપ્સે પચીસ બૉલમાં ૩૨ રન કરીને ડૅરિલ મિચલ સાથે વિજય નિશ્ચિત કર્યો હતો. મિચલે ૧૧૭ બૉલમાં બે સિક્સ અને ૧૧ ફોરની મદદથી અણનમ ૧૩૧ રન કર્યા હતા. કે. એલ. રાહુલની જેમ તેની પણ આ આઠમી વન-ડે સેન્ચુરી હતી.


