Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૩૫૦ વિકેટ ને ૪૦૦૦ રન, રવીન્દ્ર જાડેજા ફાસ્ટેસ્ટ ઑલરાઉન્ડર

૩૫૦ વિકેટ ને ૪૦૦૦ રન, રવીન્દ્ર જાડેજા ફાસ્ટેસ્ટ ઑલરાઉન્ડર

Published : 18 August, 2026 10:33 AM | Modified : 18 August, 2026 10:34 AM | IST | Galle
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી સિદ્ધિ મેળવનારો ચોથો ઑલરાઉન્ડર બન્યો, કપિલ દેવ બાદ બીજો ભારતીય; જોકે ૧૦૦ કરતાં ઓછી ટેસ્ટમાં આવી કમાલ કોઈએ નહોતી કરી

ગઈ કાલે માનવ સુથાર ચાર વિકેટ લઈને શ્રીલંકા પર ભારે પડી ગયો.

ગઈ કાલે માનવ સુથાર ચાર વિકેટ લઈને શ્રીલંકા પર ભારે પડી ગયો.


ગઈ કાલે ગૉલમાં શ્રીલંકા સામે પહેલી અને લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદ જરાય નડ્યો નહોતો પણ ભારતીય સ્પિનરો શ્રીલંકા પર ભારે પડી ગયા હતા. ૯ વિકેટે ૪૬૦ રનથી આગળ રમીને ભારતે વધુ ત્રણ મિનિટ અને ચાર જ બૉલમાં છેલ્લી વિકેટ ગુમાવી હતી અને ૪૬૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલી જ ઓવરમાં મોહમદ સિરાજે લંકન ઓપનરને પૅવિલિયન પાછો મોકલીને ટીમને પર્ફેક્ટ શરૂઆત કરાવી આપી હતી. ત્યાર બાદ ભારતીય સ્પિનરો માનવ સુથાર (૭૬ રનમાં ચાર), રવીન્દ્ર જાડેજા (૫૭ રનમાં ૩) અને કુલદીપ યાદવ (૬૫ રનમાં એક)ની સ્પિનજાળે લંકાની ૯૦ રનમાં પાંચ વિકેટ જેવી હાલત કરી નાખી હતી અને ફૉલોઓન નિશ્ચિત લાગી રહ્યું હતું. જોકે કમબૅક મૅન નિરોશન ડિકવેલા (૧૧૫ બૉલમાં ૮૦ રન) હાફ સેન્ચુરી અને ત્રીજી જ ટેસ્ટ રમી રહેલા સોનલ દિનુશા સેન્ચુરી (૧૬૮ બૉલમાં ૧૦૦ રન) સાથે ટીમની વહારે આવ્યા હતા. આખરે લંકનો ૭૯.૪ ઓવરમાં ૨૮૪ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયા હતા અને ભારતે ૧૭૮ રનની મૂલ્યવાન લીડ મેળવી હતી. બાકીના બે દિવસ મેઘરાજા મહેરબાન રહ્યા તો ભારત માટે આ લીડ મૅચ-વિનિંગ સાબિત થઈ શકે છે.

ક્રિકેટનો કોહિનૂર ડાયમન્ડ છે જાડેજાઃ કૈફ



રવીન્દ્ર જાડેજાએ ત્રણ લંકન બૅટરોને પૅવિલિયન ભેગા કરવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં ૩૫૦ વિકેટનો માઇલસ્ટોન પણ હાસલ કરી લીધો હતો. આવું કરનાર તે ચોથો ભારતીય અને ઓવરઑલ ત્રીજો ડાબોડી સ્પિનર બની ગયો હતો. આ સાથે ટેસ્ટમાં ૪૦૦૦ પ્લસ રન અને ૩૫૦ પ્લસ વિકેટ સાથેના અનોખા ઑલરાઉન્ડરોની ક્લબમાં પણ વટથી સામેલ થઈ ગયો હતો. આ ક્લબનો તે કપિલ દેવ બાદ બીજો ભારતીય અને ઓવરઑલ ચોથો મેમ્બર છે. જોકે આ ક્લબમાં તેણે સૌથી ઝડપી માત્ર ૮૭ મૅચ રમીને પ્રવેશ કરી લીધો છે. બાકીના ત્રણેયને ૧૦૦ કરતાં વધુ મૅચ રમવી પડી હતી. 
જાડેજાને આ અચીવમેન્ટ બદલ કૉમેન્ટરી કરી રહેલા મોહમદ કૈફે ક્રિકેટનો ‘કોહિનૂર ડાયમન્ડ’ ગણાવ્યો હતો, કેમ કે તે માત્ર બોલિંગ અને બૅટિંગ નહીં પણ ફીલ્ડિંગમાં પણ ટીમ માટે એટલો જ ઉપયોગી થાય છે. આવો ખેલાડી ભાગ્યે જ જોવા મળે છે.


ગિલના ગજબના કૅચે જીત્યાં દિલ

ટીમના નવા ફીલ્ડિંગ કોચની અસર ગઈ કાલે જોવા મળી હતી. કૅપ્ટન શુભમન ગિલે સેટ થઈ રહેલા કામિન્દુ મેન્ડિસનો કુલદીપ યાદવની બોલિંગમાં સુપરમૅનની સ્ટાઇલમાં ડાઇવ મારીને અદ્ભુત કૅચ પકડ્યો હતો. આ કૅચનો વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે છવાયેલો રહ્યો હતો અને ચાકહોને જૉન્ટી રોડ્સ યાદ આવી ગયો હતો.


ડિકવેલા સદી ચૂક્યો, પોતાનો જ રેકૉર્ડ મજબૂત કર્યો

લંકન ટીમમાં કમબૅક કરી રહેલા વિકેટકીપર-બૅટર ડિકવેલાએ લડાયક ઇનિંગ્સ વડે ટીમને ઉગારી હતી પણ ૫૪ ટેસ્ટ અને ૨૨ હાફ સેન્ચુરી છતાં પહેલી ટેસ્ટ-સેન્ચુરીનો ઇન્તેજાર ખતમ નથી થઈ રહ્યો. ૮૦ રન બનાવીને આઉટ થતાં જ ટેસ્ટ-સેન્ચુરી વગર સૌથી વધુ હાફ સેન્ચુરી અને સૌથી વધુ ૨૮૩૭ રનનો પોતાનો જ રેકૉર્ડ તેણે વધુ મજબૂત કરી લીધો હતો.

પાકિસ્તાની અમ્પાયર મેદાનમાં ઊતર્યા

ગઈ કાલે રેગ્યુલર અમ્પાયર રોડ ટકર બીમાર પડતાં મેદાનમાં નહોતા આવી શક્યા અને તેમના બદલે રિઝર્વ પાકિસ્તાની અમ્પાયર અહસાન રઝાએ જવાબદારી સંભાળવી પડી હતી.

દિનુશા-ડિકવેલા બન્યા સંકટમોચક

૯૦ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકન ઇનિંગ્સ જલદી પૂરી થઈ જશે એવું લાગતું હતું પણ ડિકવેલા અને લેફ્ટી બૅટર સોનલ દિનુશાએ ૨૧૭ બૉલમાં ૧૪૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમને સંકટમાંથી ઉગારી હતી. બન્નેની પાર્ટનરશિપ ૨૩૬ રનના સ્કોર પર તૂટ્યા બાદ વધુ ૪૮ રનના ઉમેરા સાથે શ્રીલંકાએ બાકીની ચારેય વિકેટ ગુમાવી દીધી હતી. 

 

 

 

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 10:34 AM IST | Galle | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK