વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રને પરાસ્ત કર્યું : શફાલી વર્મા અને દીપ્તી શર્માના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સે કરી કમાલ : ૨૦૦૫ અને ૨૦૧૭માં ફાઇનલમાં ફસડાયા બાદ થર્ડ ટાઇમ લકી સાબિત થઈ ટીમ ઇન્ડિયા
વર્લ્ડ કપ જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ
કી હાઇલાઇટ્સ
- શફાલી વર્મા પ્લેયર ઑફ ધ મૅચ
- દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ
- PM નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ફાઇનલના વિજય માટે અભિનંદન આપ્યાં
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે વરસાદને લીધે મોડી શરૂ થયેલી વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં યજમાન ભારત સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. ભારતીય મહિલાઓએ ૨૦૦૫ અને ૨૦૧૭ના વર્લ્ડ કપમાં મળેલી નિરાશાને ભૂલીને ઘરઆંગણે મળેલી તકને બન્ને હાથે ઝડપી લીધી હતી. ભારતીય ટીમે આપેલા ૨૯૯ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટની ૧૦૧ રનની લાજવાબ ઇનિંગ્સ છતાં ૪૫.૩ ઓવરમાં ૨૪૬ રને ઑલઆઉટ થઈ ગયું હતું.
હાફ સેન્ચુરી બાદ દીપ્તિ શર્માએ ૩૯ રનમાં પાંચ વિકેટ લઈને બોલિંગમાં પણ કમાલ બતાવીને ફાઇનલની જીતની સ્ટાર બની ગઈ હતી. સાઉથ આફ્રિકન કૅપ્ટન લોરા વૉલ્વાર્ટે ફૉર્મ જાળવી રાખતાં ૯૮ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોર સાથે ૧૦૧ રનની ઇનિંગ્સ રમી છેલ્લી સુધી ટીમની આશા જીવંત રાખી હતી. જોકે તેને સામે છેડે યોગ્ય સાથ ન મળતાં અને ભારતીય સ્પિન જોડી દીપ્તિ શર્મા અને શફાલી વર્મા (૩૬ રનમાં બે વિકેટ)ની જાળમાં ટીમ ફસાઈ જતાં વર્લ્ડ ચૅમ્પિયન બનાવનું તેમનું સપનું તૂટી ગયું હતું.
ADVERTISEMENT
વરસાદને લીધે બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં ટૉસ હાર્યા બાદ ભારતે ભીના આઉટફીલ્ડમાં પહેલાં બૅટિંગ માટે મેદાનમાં ઊતરવું પડ્યું હતું. વાઇલ્ડ કાર્ડ રૂપે સેમી ફાઇનલથી ટીમમાં સામેલ થનાર શફાલી વર્માના ૭૮ બૉલમાં બે સિક્સર અને ૭ ફોર સાથેના ૮૭ રન અને વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૫૮ બૉલમાં ૮ ફોરમાં ૪૫ રન સાથે મજબૂત શરૂઆત બાદ ટીમ ફસડાઈ પડી હતી. સેમી ફાઇનલની સ્ટાર જેમિમા રૉડ્રિગ્સ ૩૭ બૉલમાં ૨૪, કૅપ્ટન હરમનપ્રીત કૌરના ૨૯ બૉલમાં ૨૦ અને અમનજોત કૌરના ૧૪ બૉલમાં ૧૨ રનની ધીમી ઇનિંગ્સને લીધે સ્કોર-બોર્ડને બ્રેક લાગ્યો હતો. દીપ્તિ શર્માએ ૫૮ બૉલમાં ૫૮ રન સાથે એક છેડો સાચવી રાખતાં અને રિચા ઘોષના ૨૪ બૉલમાં ૩૪ રનના યોગ્ય સાથને લીધે ભારત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૯૮ રન સુધી પહોંચી શક્યું હતું.
માન્ધનાએ તોડ્યો મિતાલીનો રેકૉર્ડ
માન્ધનાએ ૪૫ રન કરતાં વિમેન્સ વર્લ્ડ કપ 2025માં તેના ૯ મૅચમાં કુલ ૪૩૪ રન થયા હતા. આ સાથે તે મિતાલી રાજનો રેકૉર્ડ તોડીને વિમેન્સ વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બૅટર બની છે. મિતાલીનો ૪૦૯ રનનો રેકૉર્ડ હતો જે તેણે ૨૦૧૭માં બનાવ્યો હતો.
ફરી આફ્રિકાને હરાવી ભારત બન્યું ચૅમ્પિયન
ગયા વર્ષે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમને હરાવીને ભારત વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. ગઈ કાલે ભારતીય મહિલાઓએ પણ આફ્રિકન મહિલાઓને હરાવીને એવી જ કમાલ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ફાઇનલના વિજય માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન આપ્યાં હતાં. તેમણે લખ્યું હતું કે આ ઐતિહાસિક વિજય ભવિષ્યના ચૅમ્પિયન્સને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે.


