તેની ૫૦ ટકા અને પંજાબ કિંગ્સના અભિષેક શર્માની પચીસ ટકા મૅચ-ફી કપાઈ
સોમવારે અભિષેક શર્માની વિકેટ માટે સ્પિનર દિગ્વેશ રાઠીએ નોટબુક સેલિબ્રેશન સાથે પૅવિલિયન પાછા ફરવાનો ઇશારો કર્યો હતો
સોમવારે એકાના સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા સામે વિવાદિત હરકતો કરનાર લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીને મોટી સજા થઈ છે. તેની પચાસ ટકા મૅચ-ફી કપાવાની સાથે તેના પર એક મૅચ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. વર્તમાન સીઝનમાં નોટબુક સેલિબ્રેશનના કારણે ત્રણ અલગ-અલગ ગુના માટે પાંચ ડીમેરિટ પૉઇન્ટ મળ્યા બાદ તે ગુજરાત ટાઇટન્સ (બાવીસમી મે) સામેની આગામી મૅચમાંથી સસ્પેન્ડ થયો છે.
અભિષેકને પણ આ જ ઘટના માટે ઠપકો આપવામાં આવ્યો હતો અને તેના પહેલા ગુના માટે તેને પચીસ ટકા દંડ અને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો હતો. તેમના વચ્ચેની લડાઈ એટલી ઉગ્ર બની હતી કે એને રોકવા અમ્પાયર્સ અને લખનઉના પ્લેયર્સને વચ્ચે આવવું પડ્યું હતું.
ADVERTISEMENT
૩૦ લાખની સૅલેરીવાળા દિગ્વેશ રાઠીના ૯.૩૭ લાખ રૂપિયા દંડ ભરવામાં ગયા
લખનઉએ દિલ્હીમાં જન્મેલા પચીસ વર્ષના સ્પિનર દિગ્વેશ રાઠીને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ વર્તમાન સીઝનમાં તેણે નોટબુક સેલિબ્રેશનને લીધે ત્રણ વારની સજાને કારણે ૯.૩૭ લાખનો દંડ ભરવો પડશે. અહેવાલ અનુસાર તેની આ હરકત બદલ પંજાબ કિંગ્સ સામેની મૅચમાં ૧.૮૭ લાખ, મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૩.૭૫ લાખ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ૩.૭૫ લાખ રૂપિયાનો દંડ થયો છે. પંજાબના પ્રિયાંશ આર્ય, મુંબઈના નમન ધીર અને હૈદરાબાદના અભિષેક શર્માની વિકેટ બાદ ગેરવર્તન કરવા બદલ તેની અનુક્રમે પચીસ ટકા, ૫૦ ટકા અને ૫૦ ટકા મૅચ-ફી કપાઈ છે.

