Jyoti Malhotra: ભારત-પાકિસ્તાનના તણાવ દરમિયાન હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની હાઇ કમિશનના એક અધિકારીના સંપર્કમાં હતી; ગુપ્તચર એજન્ટ દાનિશ સાથેના ચેટ્સ કર્યા ડિલીટ
જ્યોતિ મલ્હોત્રા (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
હરિયાણા (Haryana)ના હિસાર (Hisar)ની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra) અત્યારે રાજદ્રોહના આરોપોને કારણે સતત ચર્ચામાં છે. આ યુટ્યુબર પર પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં રહેવાનો અને સતત સંવેદનશીલ માહિતી શૅર કરવાનો આરોપ છે. તેના કેસમાં દરરોજ એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે.
પાકિસ્તાન (Pakistan) માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. પહેલા તે મોટાભાગના પ્રશ્નોના જવાબમાં પોતાને નિર્દોષ ગણાવતી હતી. પરંતુ હવે તે અલગ અલગ નિવેદનો આપી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી, પરંતુ તે એ પણ નથી જણાવી રહી કે તેણે દુશ્મન દેશ સાથે લશ્કરી કે અન્ય ગુપ્ત માહિતી શેર કરી હતી કે નહીં. એવા અહેવાલ છે કે, જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હોવાની કબૂલાત કરી છે. એટલું જ નહીં, તેણીએ પાકિસ્તાની હાઇ કમિશનના એક અધિકારીના સંપર્કમાં હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે ૧૬ મેના રોજ જ્યોતિની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
અહેવાલો મુજબ, જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંપર્કો હોવાની કબૂલાત કરી છે. તેણીએ એ પણ સ્વીકાર્યું છે કે તે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશન (Pakistani High Commission)ના અધિકારી દાનિશ (Danish) સાથે નિયમિતપણે વાતચીત કરતી હતી.
પૂછપરછના રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે, જ્યોતિ પહેલી વાર દાનિશ ઉર્ફે એહસર ડારને વર્ષ ૨૦૨૩માં મળી હતી. તે દરમિયાન તે પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવા માટે પાકિસ્તાની હાઈ કમિશન ગઈ હતી. ખાસ વાત એ છે કે પહેલગામ હુમલા બાદ દાનિશને ૧૪ મેના રોજ ભારત સરકાર (Indian Government)એ બહારનો રસ્તો બતાવી દીધો હતો.
સૂત્રોએ જણાવ્યું છે કે પૂછપરછ દરમિયાન જ્યોતિએ કહ્યું, `વર્ષ ૨૦૨૩માં, હું પાકિસ્તાન જવા માટેના વિઝા વિશે માહિતી એકત્રિત કરવા માટે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશન ગઈ હતી.` તેણીએ જણાવ્યું છે કે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન, તેણી દાનિશના સંપર્ક અલી હસનને મળી, જેણે ત્યાં તેના રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરી. જ્યોતિએ એ પણ ખુલાસો કર્યો છે કે, હસને તેની અને બે લોકો વચ્ચે મુલાકાત ગોઠવી હતી જે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ હોવાનું માનવામાં આવે છે. તેમના નામ શાકિર અને રાણા શાહબાઝ હોવાનું કહેવાય છે. જ્યોતિએ અહેવાલ મુજબ કહ્યું છે કે, તેણે શાકિરનો નંબર જાટ રંધાવા તરીકે સેવ કર્યો હતો જેથી કોઈને તેના પર શંકા ન થાય. ભારત પરત ફર્યા પછી પણ, તે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી. તે વોટ્સએપ, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવી એપ્સ દ્વારા તેમની સાથે વાતચીત કરતી હતી.
એજન્સીઓને જાણવા મળ્યું છે કે, જ્યોતિએ પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારી દાનિશ સાથેની વાતચીતની ચેટ્સ બે વાર ડિલીટ કરી છે. જો કે, પૂછપરછ દરમિયાન જ્યોતિએ આ વાતનો ઇનકાર કર્યો હતો. જ્યોતિના બે મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરીને આ વાતની ખાતરી કરવામાં આવશે, જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે, લેપટોપ અને મોબાઇલના ક્લાઉડ ડેટામાંથી મહત્વપૂર્ણ સંકેતો મળી શકે છે.
મંગળવારે મિલિટરી ઇન્ટેલિજન્સે જ્યોતિની છ કલાક પૂછપરછ કરી. જ્યારે ચાર સભ્યોની ટીમે તેને આ વર્ષે જાન્યુઆરીમાં પહેલગામ (Pahalgam) જવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું ત્યાં નિયમિત રીતે ગઈ હતી.’ મિલિટરી ઇન્ટેલિજન્સની પૂછપરછમાં જાણવા મળ્યું કે, પહેલગામ હુમલા ((Pahalgam Terror Attack) પછી જ્યારે બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો ત્યારે પણ જ્યોતિ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (Pakistan Intelligence Operative - PIO)ના સંપર્કમાં હતી. જ્યોતિએ માર્ચમાં પાકિસ્તાની દૂતાવાસમાં તૈનાત દાનિશ સાથે પણ વાતચીત કરી હતી.

