IPL મિની ઑક્શનમાં કૅમરન ગ્રીન અને મથીશા પથિરાના ઉપરાંત ભારત વતી હજી સુધી એક પણ મૅચ ન રમનારા ખેલાડીઓએ કરોડપતિ બનીને નવાઈ પમાડી હતી
(ડાબેથી) કાર્તિક શર્મા, પ્રશાંત વીર, ક્રેઇન્સ, મંગેશ યાદવ
રેકૉર્ડબ્રેક ૧૪.૨૦ કરોડ રૂપિયા મેળવનાર કાર્તિક શર્મા અને પ્રશાંત વીર ઉપરાંત ૫.૨૦ કરોડ મેળવનાર ટ્રક-ડ્રાઇવરના પુત્ર મંગેશ યાદવે અને ગુજરાતના એક નાનકડા ગામડામાં પાનનો ગલ્લો ચલાવતા પરિવારના ક્રેઇન્સ ફુલેત્રાનો સંઘર્ષ પણ જાણવા જેવો છે.
કાર્તિક શર્માના પપ્પાએ પુત્રની કરીઅર માટે દુકાન વેચી, લોન લીધી
ADVERTISEMENT
મંગળવારે ૧૪.૨૦ કરોડ રૂપિયા મેળવનાર કાર્તિક શર્માએ જ્યારે પહેલી વાર બૅટ પડક્યું હતું ત્યારે તેની ફૅમિલી પાસે તેને ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે પૈસા નહોતા. રાજસ્થાનના ભારતપુરમાં તેના પપ્પા મનોજ શર્મા પરિવારના ભરણપોષણ માટે પ્રાઇવેટ ટ્યુશન અને કોલ્ડ ડ્રિન્ક્સ વેચવા ઉપરાંત નાનું-મોટું જે કામ મળે એ કરતા હતા. કાર્તિક બારમા ધોરણ સુધી ભણ્યો છે અને તે ભણવાની સાથે પપ્પાની જેમ પ્રાઇવેટ ટ્યુશન પણ લેતો હતો જેથી ક્રિકેટ કિટ્સ ખરીદી શકે અને ફૅમિલીને પણ મદદરૂપ થઈ શકે. આમ જવાબદારીઓ વચ્ચે તે રેગ્યુલર ક્રિકેટ નહોતો રમી શકતો અને જ્યારે-જ્યારે ફુરસદ મળતી ત્યારે તે મેદાનમાં પહોંચી જતો હતો. કાર્તિકની ક્રિકેટ પ્રત્યેની ધગશ અને ટૅલન્ટને જોઈને તેના પપ્પાથી રહેવાયું નહીં અને તેણે તેમની દુકાન વેચી નાખી અને લોન લઈને કાર્તિક માટે બોલિંગ-મશીન ઉપરાંત ૫૦૦ બૉલ ખરીદ્યા. જ્યારે અન્ય લોકો કોઈ ઍકૅડેમીમાં જઈને પ્રૅક્ટિસ કરતા હતા ત્યારે કાર્તિક બોલિંગ-મશીન સામે ૧૫૦ કિલોમીટરની સ્પીડથી ફેંકાતા બૉલનો સામનો કરતો હતો. તેની આ એકલવ્ય સમાન મહેનત રંગ લાવી અને રાજસ્થાનની અન્ડર-14 અને અન્ડર-16માં દમ બતાવીને અન્ડર-19નો કૅપ્ટન બની ગયો હતો. ભારતની C ટીમમાં એન્ટ્રી મારી હતી. હવે ૧૪.૨૦ કરોડ રૂપિયા મેળવીને કાર્તિક પરિવારનું બધું દેવું ચૂકવી દેવા તત્પર છે.
પ્રશાંત વીરના શિક્ષકપિતાની મહિનાની કમાણી છે માત્ર ૧૨,૦૦૦ રૂપિયા, દાદાના પેન્શનમાંથી ચાલતો હતો ક્રિકેટનો ખર્ચ
ચેન્નઈ ટીમ રવીન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે એક લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ સ્પિનરની શોધમાં હતી અને એને પ્રશાંત વીરમાં એ તમામ ખૂબીઓ જણાઈ હતી. ૧૪.૨૦ કરોડ રૂપિયા મેળવનાર ઉત્તર પ્રદેશના અમેઠીની નજીકના એક ગામના પ્રશાંત વીરના પિતા સ્કૂલ-ટીચર છે અને તેમની કમાણી મહિને માત્ર ૧૨,૦૦૦ રૂપિયા છે. પિતાની મર્યાદિત આવકને લીધે પ્રશાંતનો મોટા ભાગનો ખર્ચ તેના દાદાના પેન્શનમાંથી ચાલતો હતો, પણ દાદાના નિધન બાદ એ બંધ થઈ જતાં તેણે ખૂબ જ સંઘર્ષ કરવો કરવો પડ્યો હતો, પણ મર્યાદિત સપોર્ટ છતાં મહેનત કરવાનું છોડ્યું નહોતું અને એનું ફળ આજે તેને મળી રહ્યું છે.
IPLમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા આદર્શ ખેલાડી સાથે રમવા ઉપરાંત ૧૪.૨૦ કરોડ રૂપિયા જેટલી રકમને એક સપના સમાન ગણાવતાં તેણે કહ્યું હતું કે ‘મેં ઑક્શન બાદ રિન્કુભાઈ (સિંહ)ને ચૂંટી ખેંચવા કહ્યું હતું. મારા પરિવારે આટલા બધા પૈસા ક્યારેય જોયા નથી. આ કદાચ અમારી પરિસ્થિતિ બહેતર કરી શકે છે. મારે આ પૈસાનું શું કરવું જોઈએ એનો નિર્ણય મારો પરિવાર જ લેશે. હું હંમેશાં IPLમાં ચેન્નઈ ટીમ વતી ધોનીના માર્ગદર્શનમાં રમવાનું સપનું જોતો હતો. હું પણ તેમની જેમ લોઅર ઑર્ડર બૅટર છું. હું હંમેશાં ઑક્શનમાં ચેન્નઈ મને ખરીદે એવી પ્રાર્થના કરતો હતો અને ભગવાને આખરે મારી પ્રાર્થના સાંભળી.’
ક્રેઇન્સ ફુલેત્રા પાનની દુકાનથી પહોંચ્યો હૈદરાબાદ ટીમમાં
ગુજરાતના ૨૧ વર્ષના ક્રેઇન્સ ભાવેશભાઈ ફુલેત્રાની કહાની પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. જૂનાગઢના માળિયાહાટિના ગામના રહેવાસી ક્રેઇન્સ ગયા વર્ષે જયદેવ ઉનડકટની ભલામણને લીધે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં નેટ બોલર સાથે સામેલ થયો હતો. ગઈ સીઝન દરમ્યાન તેની ધગશ અને ટૅલન્ટને લીધે હૈદરાબાદ મૅનેજમેન્ટ ઉપરાંત હેન્રિક ક્લાસેન જેવા ઇન્ટરનૅશનલ ખેલાડી તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેને ગયા વર્ષે ઍડમ ઝમ્પાના સ્થાને ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક હતા, પણ ઑક્શનમાં તેણે રજિસ્ટ્રેશન ન કરાવવાને લીધે નિયમ પ્રમાણે તેને સામેલ નહોતા કરી શક્યા, પણ આ વખતે તેને હૈદરાબાદે તેની બેઝ-પ્રાઇસ ૩૦ લાખમાં ખરીદી લીધો છે.
તેના પિતા ભાવેશભાઈ ન્યુ ઝીલૅન્ડના લેજન્ડ ક્રિકેટર ક્રિસ કેર્ન્સના મોટા ચાહક હોવાથી પુત્રનું નામ પણ તેના જ નામ પરથી પાડ્યું હતું. તેનો પરિવાર વર્ષોથી ગામમાં પાનનો ગલ્લો ચલાવતા હતા. તેના પિતા જ તેને કોચિંગ આપવાનું કામ કરતા હતા, પણ ગામમાં રહીને પુત્રનું ક્રિકેટ બનવાનું સપનું સાકાર નહીં થઈ શકે એમ લાગતાં તેઓ રાજકોટ શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં તેમણે એ જ સ્કૂલ પસંદ કરી જેમાં ભણવા ઉપરાંત ક્રેઇન્સ ક્રિકેટ પણ રમી શકે. સ્કૂલ-ક્રિકેટ દરમ્યાન તે સિલેક્ટરોની નજરમાં આવ્યો અને અન્ડર-14 ટીમમાં સામેલ થઈ ગયો. અન્ડર-14માં સિલેક્શન બાદ હવે બધું આસાન થઈ જશે એવું લાગવા લાગ્યું હતું, પણ ત્યાર બાદ ફરી તેનો સંઘર્ષ શરૂ થયો હતો અને અન્ડર-16 અને અન્ડર-19 ટીમમાં સતત તેની અવગણના થઈ હતી. ૬ વર્ષ સુધી તે હિંમત હાર્યા વિના મહેનત કર્યા બાદ અન્ડર-23માં સામેલ થયો અને ત્યાર બાદ તેના પર્ફોર્મન્સને લીધે તેને અવગણવો સિલેક્ટરો માટે અશક્ય બની ગયું હતું.
ટ્રક-ડ્રાઇવરનો પુત્ર મંગેશ યાદવ રમશે હવે વિરાટ કોહલી સાથે
મધ્ય પ્રદેશના ૨૩ વર્ષના ઑલરાઉન્ડર મંગેશ યાદવને હાલની ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સામે ૫.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મંગેશે હજી ૧૪ ડિસેમ્બરે જ ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને માત્ર બે જ દિવસમાં તે કરોડપતિ બની ગયો હતો. મંગેશ હવે વિરાટ કોહલી જેવા લેજન્ડ ખેલાડી સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરશે અને અમૂલ્ય અનુભવ મેળવીને ઘડાશે.
જોકે મંગેશની આ કરોડપતિ બનવા સુધીની સફર જરાય આસાન નથી રહી. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં રહેતા તેના પરિવારે ખૂબ જ સંઘર્ષમય દિવસો વિતાવ્યા છે. તેના પિતા અવધ યાદવ ટ્રક-ડ્રાઇવર છે. આમ સીમિત આવક છતાં પુત્રના ક્રિકેટર બનવાના સપના માટે કોઈ કસર બાકી નથી રાખી અને આજે પુત્ર માટે કરોડો રૂપિયાની બોલી લાગતી જોઈને તેમને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે.


