મુંબઈએ બુધવારે હૈદરાબાદ સામે બીજી ઇનિંગ્સમાં રૉબિન મિન્ઝને બદલે તેને મેદાનમાં ઉતાર્યો, પણ ફક્ત ફીલ્ડિંગ જ કરાવી
શાર્દૂલ ઠાકુર
મુંબઈ ઇન્ડિયન્સ આઠ મૅચમાંથી છમાં હારીને પૉઇન્ટ-ટેબલમાં સેકન્ડ લાસ્ટ સ્થાને સ્ટ્રગલ કરી રહી છે. પાંચ વખતના ચૅમ્પિયન ટીમના આવા હાલહવાલ માટે ચાહકો કૅપ્ટન હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીને જવાબદાર ઠેરવી રહ્યા છે. હૈદરાબાદ સામેની મૅચમાં હાર્દિક પંડ્યાના એક નિર્ણય માટે તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મુંબઈએ બીજી ઇનિંગ્સમાં રૉબિન મિન્ઝને બદલે બોલિંગ ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને મેદાનમાં ઉતાર્યો હતો અને નવાઈની વાત એ છે કે જસપ્રીત બુમરાહ સહિતના તમામ બોલરોની ધોલાઈ થઈ રહી હોવા છતાં કૅપ્ટને તેને એક ઓવર માટે પણ અજમાવ્યો નહોતો. શાર્દૂલ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કમાલ કરવા માટે જાણીતો છે અને એને લીધે જ તેને ચાહકો ‘લૉર્ડ’ તરીકે ઓળખતા આવ્યા છે. મૅચ બાદ સોશ્યલ મીડિયામાં શાર્દૂલને નૉન-ઇમ્પૅક્ટ પ્લેયર ગણાવીને સૌથી વધુ ચર્ચા તેની જ થઈ રહી હતી. ૨૪૪ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદે ૭ ઓવરના અંતે વિના વિકેટે ૧૧૫ રન બનાવ્યા હતા ત્યારે શાર્દૂલને ઇમ્પૅક્ટ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. મૅચમાં હાર્દિકે પોતાના સહિત છ-છ બોલરો અજમાવ્યા હતાં પણ શાર્દૂલ પાસે એક ઓવર પણ નહોતી કરાવી. આથી સોશ્યલ મીડિયામાં ચર્ચા થવા લાગી હતી કે શાર્દૂલ કદાચ IPLના ઇતિહાસનો એવો પહેલો ખેલાડી બની ગયો છે જેને ઇમ્પૅક્ટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતારવા છતા બૅટિંગ કે બોલિંગમાં અજમાવ્યો ન હોય. મૅચ બાદ બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પણ આ નિર્ણય વિશે નવાઈ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ વિશે તે હાર્દિકને જઈને પૂછશે. વીરેન્દર સેહવાગ અને મુરલી કાર્તિક જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ પોસ્ટ-મૅચ ક્રિકેટ-શોમાં હાર્દિકના આ નિર્ણય વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કાર્તિકે કહ્યું હતું કે ‘મને બિલકુલ સમજાતું નથી કે તેને શા માટે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવ્યો હતો. કદાચ તેને બોલાવ્યા બાદ તેઓ ભૂલી ગયા હોય. ફક્ત ભગવાન જ આવું શા માટે થયું એ કહી શકશે.’ સેહવાગે ઉમેર્યું હતું કે ‘જો તમે તેને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવ્યો છે તો તેની પાસે એકાદ ઓવર તો કરાવવી જોઈતી હતી. તે વિકેટટેકર બોલર છે. તેણે ગમેતેમ કરીને એકાદ વિકેટ અપાવી હોત.’
