Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાઉન્ડરીની બહારનો કૅચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બૉલને ટચ કરી શકાશે

બાઉન્ડરીની બહારનો કૅચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બૉલને ટચ કરી શકાશે

Published : 04 February, 2026 12:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅરિલબૉન ક્રિકેટ ક્લબે ક્રિકેટના નિયમોમાં ૭૩ મોટા સુધારાની જાહેરાત કરી, ઑક્ટોબર ૨૦૨૬થી ક્રિકેટમાં લાગુ થશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ક્રિકેટના કાયદાઓ ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC)એ નિયમોમાં ૭૩ મોટા સુધારાની જાહેરાત કરી છે. એમાંથી ૧૦ ફેરફાર એવા છે જેની સીધી અસર ક્રિકેટ રમવાની રીત પર પડશે. ખામીઓ, અસ્પષ્ટતાને દૂર કરવા અને અમ્પાયર્સનું કામ દરેક સ્તરે સરળ બનાવવા માટે કરવામાં આવેલા આ ફેરફાર ઑક્ટોબર ૨૦૨૬થી ક્રિકેટમાં લાગુ થશે.

મહિલા અને જુનિયર ક્રિકેટને ધ્યાનમાં રાખીને હવે બૉલ ૩ પ્રકારનાં કદ અને વજનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મેન્સ ક્રિકેટમાં વપરાતા બૉલ મહિલા અને જુનિયર માટે વધારે અનુકૂળ ન હોવાથી તેમના માટે નાના અને થોડા હળવા બૉલ નક્કી કરીને એને સાઇઝ બે અને સાઇઝ ત્રણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પુરુષ ક્રિકેટમાં પહેલાંની જેમ જ સાઇઝ ૧નો બૉલ વપરાશે.



લૅમિનેટેડ બૅટ એટલે કે ૩ પ્રકારનાં લાકડાંમાંથી બનતા બૅટનો જુનિયર ક્રિકેટ બાદ હવે ઓપન-એજ ક્રિકેટમાં પણ ઉપયોગ થઈ શકશે. આ બૅટ કિંમતની દૃષ્ટિએ સસ્તાં હોય છે. પ્રોફેશનલ ક્રિકેટર્સ પહેલાંની જેમ પરંપરાગત સિંગલ-પીસ બૅટથી જ રમશે.


મલ્ટિ-ડે ફૉર્મેટની મૅચમાં દિવસના અંતની ઓવર દરમ્યાન વિકેટ પડવા છતાં રમતને અધૂરી છોડવામાં નહીં આવશે. બોલિંગ ટીમે દિવસના અંતે એ ઓવરને સમાપ્ત કરવી પડશે. 
જો કોઈ બૅટર જાણીજોઈને શૉર્ટ રન લેશે તો ફીલ્ડિંગ ટીમ હવે નક્કી કરશે કે કયો બૅટ્સમૅન આગામી બૉલ પર સ્ટ્રાઇક લેશે.

પહેલાં જાહેરાત થઈ છે એ અનુસાર બાઉન્ડરી પર કહેવાતા બન્ની હૉપ કૅચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાઉન્ડરી બહાર એકથી વધુ વખત બૉલને સ્પર્શ કરી શકાશે નહીં.


ઓવરથ્રો આખરે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. ફીલ્ડર દ્વારા સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બૉલને કોઈ અન્ય પ્લેયર દ્વારા રોકવાનો પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળે તો એને ઓવરથ્રો નહીં પણ મિસફીલ્ડ ગણવામાં આવશે. સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બૉલને રોકવાનો કોઈએ પ્રયાસ ન કર્યો હોય તો એને ઓવરથ્રો કહેવામાં આવશે.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે બૉલ બોલર અથવા વિકેટકીપરના હાથમાં ગયો એટલે એ બૉલ સંપૂર્ણપણે સેટલ એટલે કે ડેડ થયો છે, પરંતુ હવે કોઈ પણ ફીલ્ડર જે જમીન પર સ્થિર હોય એના હાથમાં પણ બૉલ જશે તો એ બૉલને ડેડ ગણવામાં આવશે.

બોલરના રન-અપ દરમ્યાન સ્ટમ્પની આગળ વિકેટકીપરનાં ગ્લવ્ઝ આવી જાય તો એને નો-બૉલ ગણવામાં નહીં આવે. બોલર દ્વારા બૉલ ફેંકાયા પછી જ નો-બૉલનો નિયમ લાગુ થશે.

હિટ-વિકેટ પર વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો બૅટર અને તેનાં હેલ્મેટ સહિતનાં સાધનો ફીલ્ડિંગ ટીમના કોઈ સભ્યને સ્પર્શ કરીને પછી સ્ટમ્પમાં લાગે તો એ હિટ-વિકેટ ગણાશે નહીં. બૅટર અને એનાં સાધનો ડાયરેક્ટ સ્ટમ્પમાં લાગશે ત્યારે જ હિટ-વિકેટ જાહેર કરવામાં આવશે.

હવે રનઆઉટ અને સ્ટમ્પિંગ સમયે ફીલ્ડરના હાથમાં બૉલનું સંપૂર્ણ નિયંત્રણ હશે ત્યારે જ વિકેટ ગણાશે. બૉલ સાથેના માત્ર સ્પર્શથી રનઆઉટ અને સ્ટમ્પિંગ સફળ ગણાશે નહીં. 

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK