ભારત સૌથી વધુ ૧૦૮૧ વન-ડે રમ્યું, હમણાં સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૪૦૫૮ T20 અને ૨૬૨૯ ટેસ્ટ-મૅચ રમાઈ છે
પ્રતીકાત્મક તસવીર
મેન્સ ક્રિકેટે ૫૦૦૦ વન-ડે મૅચનો ઐતિહાસિક સીમાચિહ્ન પૂરું કર્યું છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટૂ દરમ્યાન સ્કૉટલૅન્ડ અને કૅનેડા વચ્ચે રમાયેલી મૅચ ઐતિહાસિક ૫૦૦૦મી વન-ડે મૅચ બની હતી. શુક્રવારની આ મૅચમાં ૨૮૧/૭નો સ્કોર ડિફેન્ડ કરીને સ્કૉટલૅન્ડે ૯ રને જીત નોંધાવી હતી.
પહેલવહેલી વન-ડે મૅચ ૧૯૭૧માં પાંચ જાન્યુઆરીએ મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડનો ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે જીત નોંધાવી હતી. ખરેખર તો બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ-મૅચ રમાવાની હતી પણ વરસાદને કારણે ત્રણ દિવસ ધોવાયા હોવાથી ૪૦-૪૦ ઓવરની અને દરેક ઓવરમાં ૮ બૉલવાળી મૅચ રમાડવામાં આવી હતી.
વન-ડે ક્રિકેટના પંચાવન વર્ષમાં ૨૯ દેશોએ ભાગ લઈને એને ૫૦૦૦ મૅચની સિદ્ધિ મેળવનાર ક્રિકેટનું પહેલું ફૉર્મેટ બનાવ્યું છે. ૧૮૭૭માં શરૂ થયેલા ટેસ્ટ-ફૉર્મેટમાં હજી ૨૬૨૯ મૅચ રમાઈ છે. ૨૦૦૪માં શરૂ થયેલા T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં ૪૦૫૮ મૅચ રમાઈ છે.
મેન્સ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૧૦૮૧ મૅચ ભારત દેશે રમી છે. સૌથી વધુ ૬ વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયા આ ફૉર્મેટમાં ૧૦૨૫ મૅચમાંથી સૌથી વધુ ૬૧૯ મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવે છે. ભારતના સચિન તેન્ડુલકરે સૌથી વધુ ૧૮,૪૨૬ રન કર્યા છે અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરને સૌથી વધુ ૫૩૪ વિકેટ લીધી છે.
