પાકિસ્તાનની ખેલાડીઓનું સમર્થન કરનાર મોઈન અલીને પોતાને જ ધ હન્ડ્રેડના ફાઇનલ ઑક્શન-લિસ્ટમાં સ્થાન ન મળ્યું
મોઈન અલી
ધ હન્ડ્રેડમાં પાકિસ્તાનના ખેલાડીઓની ભાગીદારીનું સમર્થન કરનાર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોઈન અલીનો ફાઇનલ ઑક્શન-લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મેન્સ ધ હન્ડ્રેડના ઑક્શન માટે ૭૧૦ લોકોએ નામ નોંધાવ્યાં હતાં એમાંથી ટીમોનાં સૂચન અનુસાર ફાઇનલ ૨૪૭ ખેલાડીઓને ઑક્શન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય માલિકો ધરાવતી ધ હન્ડ્રેડની ટીમો પાકિસ્તાનના ખેલાડીઓને નહીં ખરીદે એવા અહેવાલ બાદ મોઈન અલીએ ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનના ખેલાડીઓનો બહિષ્કાર થશે તો અમે અન્ય ખેલાડીઓ સાથે વિરોધ દર્શાવીશું. પાકિસ્તાનના ૬૩માંથી ૧૪ ખેલાડીઓને ફાઇનલ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાની મૂળનો ૩૮ વર્ષનો મોઈન અલી ૨૦૨૧થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની પહેલી ૪ સીઝનમાં બર્મિંગહૅમ ફીનિક્સ માટે રમ્યો હતો. વિદેશી લીગમાં રમવા માટે તે ગઈ સીઝનમાં રમ્યો નહોતો. નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા મોઈન અલીએ ઇંગ્લૅન્ડના ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને પછીથી યુ-ટર્ન લીધો હતો. મોઈન અલીએ લગભગ ૯૧ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે ઑક્શન માટે નોંધણી કરાવી હતી.
