દોહા ડાયમન્ડ લીગ 2025માં શુક્રવારે રાત્રે ૯૦.૨૩ મીટરના થ્રો સાથે ભારતનો જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા બીજા ક્રમે રહ્યો હતો. ૮૯.૯૪ મીટરનો પોતાનો આ પહેલાંનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકૉર્ડ તોડવા છતાં તે જર્મનીના જુલિયન વેબર બાદ બીજા ક્રમે રહ્યો હતો.
નીરજ ચોપડા
દોહા ડાયમન્ડ લીગ 2025માં શુક્રવારે રાત્રે ૯૦.૨૩ મીટરના થ્રો સાથે ભારતનો જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા બીજા ક્રમે રહ્યો હતો. ૮૯.૯૪ મીટરનો પોતાનો આ પહેલાંનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકૉર્ડ તોડવા છતાં તે જર્મનીના જુલિયન વેબર (૯૧.૦૬ મીટર) બાદ બીજા ક્રમે રહ્યો હતો. ૨૭ વર્ષનો નીરજ ૯૦ મીટરને પાર જૅવલિન થ્રો કરનાર ભારતનો પહેલો, એશિયાનો ત્રીજો અને દુનિયાનો પચીસમો પ્લેયર બન્યો છે.
નીરજ ઇવેન્ટ જીતવામાં નિષ્ફળ ગયો, કારણ કે જુલિયન વેબરે સાંજના તેના છઠ્ઠા અને અંતિમ થ્રોમાં ૯૧.૦૬ મીટર સાથે ઇતિહાસ રચ્યો હતો. જર્મન પ્લેયરે પોતાની કરીઅરમાં પહેલી વાર ૯૦ મીટર પાર ફેંકીને વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું હતું. ૨૦૨૩ અને ૨૦૨૪ની દોહા ડાયમન્ડ લીગમાં પણ ટૉપ-ટૂમાં રહેનાર નીરજે ૧૬ મેએ રાત્રે અનુક્રમે ૮૮.૪૪ મીટર, ૯૦.૨૩ મીટર, ૮૦.૫૬ મીટર અને ૮૮.૨૦ મીટરના થ્રો કર્યા હતા. તેનો બીજો અને પાંચમો થ્રો ફાઉલ રહ્યો હતો. બે વખતના ઑલિમ્પિક મેડલિસ્ટ નીરજનો સાથી પ્લેયર કિશોર જેના ૭૮.૦૬ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે અગિયાર પ્લેયર્સ વચ્ચે આઠમા ક્રમે રહ્યો હતો.
સૌથી લાંબો જૅવલિન થ્રો કરવાનો રેકૉર્ડ ધરાવે છે નીરજનો નવો કોચ
જૅવલિન થ્રો ઇતિહાસમાં ચેક રિપબ્લિકનો જેન ઝેલેઝની સૌથી લાંબો ૯૮.૪૮ મીટરનો થ્રો કરવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. ગયા વર્ષના અંતમાં ૫૮ વર્ષનો ઝેલેઝની ભારતના સ્ટાર જૅવલિન થ્રોઅર સાથે કોચ તરીકે જોડાયો હતો. ફેબ્રુઆરી ૨૦૨૫થી તેણે કોચિંગ શરૂ કર્યું છે.
મહાન સિદ્ધિ! દોહા ડાયમન્ડ લીગ 2025માં ૯૦ મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ નીરજ ચોપડાને અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારત ખુશ અને ગર્વિત છે. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

