સાઉથ આફ્રિકા સામે સદી ફટકારવા છતાં વન-ડે ટીમમાંથી બહાર થયેલા ઋતુરાજ ગાયકવાડ વિશે અશ્વિને કહ્યું...
રવિચન્દ્રન અશ્વિનની ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘શું ગાયકવાડને ટીમમાં સામેલ કરી શકાયો હોત? મને લાગે છે કે એ એક વાસ્તવિક શક્યતા હતી. બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ રિષભ પંતના સ્થાને નિષ્ણાત બૅટર ઋતુરાજ ગાયકવાડને તક મળવી જોઈતી હતી.’
અશ્વિને વધુમાં સમજાવ્યું હતું કે ‘ગાયકવાડ જેવા ખેલાડીઓને મર્યાદિત તકો મળે છે, જ્યારે સિનિયર બૅટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી બૅટિંગક્રમમાં પ્રભુત્વ ધરાવે છે. જો રોહિત અને કોહલી નિવૃત્તિ લેવાનું નક્કી કરે તો જ ઋતુરાજને ટીમમાં લાંબા ગાળાની તક મળશે.’
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પહેલી બે મૅચમાં જ ઋતુરાજ ગાયકવાડને બૅટિંગની તક મળી હતી. તેણે ૮ અને ૧૦૫ રનની ઇનિંગ્સ રમી હતી.
અશ્વિને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘ભલે તમે ગમે એ અનુભવી રહ્યા હો; ઊઠો, તૈયાર થાઓ, તમારાં પૅડ્સ પહેરો, મેદાનમાં જાઓ અને ક્યારેય હાર ન માનો. આને અવગણવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ભારતીય ટીમમાં સ્થાન માટે સ્પર્ધા કરવાની આ જ રીત છે.’
અશ્વિને પોતાની પોસ્ટમાં ઋતુરાજ ગાયકવાડનો હૅઝટૅગ પણ ઉમેર્યો હતો.


