પહેલી ઇનિંગ્સમાં ૫૮૪ રન કર્યા બાદ જમ્મુ ઍન્ડ કાશ્મીરે બીજી ઇનિંગ્સમાં ૩૪૨-૪નો સ્કોર કરતાં કર્ણાટકે ડ્રૉ માટે હાથ મિલાવ્યો, પહેલી ઇનિંગ્સની ૨૯૧ રનની લીડથી ઇતિહાસ રચ્યો
રણજી ટ્રોફી ટુર્નામેન્ટની આઇકૉનિક ટ્રોફી સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતા જમ્મુ ઍન્ડ કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરા અને સાથી-પ્લેયર્સ.
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ફાઇનલ મૅચના અંતિમ દિવસે હુબલીમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરે પહેલી ઇનિંગ્સની ૨૯૧ રનની લીડના આધારે પહેલી વખત રણજી ટાઇટલ પોતાને નામે કર્યું હતું. પહેલી ઇનિંગ્સમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના ૫૮૪ રન સામે કર્ણાટકે ૨૯૩ રન કર્યા હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૧૧૩ ઓવરમાં ૪ વિકેટે ૩૪૨ રન કરીને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. મૅચના બાકીના સમયમાં ૬૩૩ રનની વિશાળ લીડ સુધી પહોંચી રહેવું અશક્ય હોવાથી બપોરે ૨.૧૧ વાગ્યે બન્ને ટીમના કૅપ્ટન્સે ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૨૧ રન કરનાર જમ્મુ ઍન્ડ કાશ્મીરનો શુભમ પુંડિર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેની જ ટીમનો પેસ બોલર આકિબ નબી ૨૪૫ રન કરવાની સાથે હાઇએસ્ટ ૬૦ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. છેક ૯૧મી રણજી ટ્રોફી સીઝનમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરે પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. પહેલી વખત આ ટીમે ૧૯૫૯-’૬૦ની સીઝનમાં ભાગ લીધો હતો. પહેલી જીત ૧૯૮૨-’૮૩માં સર્વિસિસ ટીમ સામે મેળવી હતી અને પહેલી સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચ આ વર્ષે રમી છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરે પાંચમા દિવસે ૫૮મી ઓવરમાં ૧૮૬/૪ના સ્કોર અને ૪૭૭ રનની લીડ સાથે પોતાની બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. ઓપનર કામરાન ઇકબાલ ૩૧૧ બૉલમાં ૧૬ ફોર અને ૩ સિક્સના આધારે ૧૬૦ રન કરીને અણનમ રહ્યો હતો. સાહિલ લોત્રા ૮ ફોર અને ૩ સિક્સની મદદથી ૨૬૬ બૉલમાં ૧૦૧ રન કરીને ટકી રહ્યો હતો. કર્ણાટકે સ્ટાર બૅટર્સ કે. એલ. રાહુલ પાસે ૭ ઓવર, કરુણ નાયર અને મયંક અગરવાલ પાસે ૨-૨ ઓવર કરાવી હતી છતાં તેમના બોલિંગ-યુનિટને પાંચમા દિવસે એક પણ વિકેટ મળી નહોતી.

કામરાન ઇકબાલ ૩૧૧ બૉલમાં ૧૬ ફોર અને ૩ સિક્સના આધારે ૧૬૦ રન કરીને અણનમ રહ્યો હતો અને જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ હુબલી પહોંચીને ફાઇનલના અંતિમ દિવસે રમત અને જીતનો આનંદ માણ્યો હતો.
ADVERTISEMENT
"આ વિજય જમ્મુ ઍન્ડ કાશ્મીરના લોકો માટે ખૂબ જ ગર્વ અને આનંદની ક્ષણ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ટીમનું નોંધપાત્ર પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે." - જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા

કર્ણાટક તરફથી કે. એલ. રાહુલે પણ જમ્મુ ઍન્ડ કાશ્મીરની પાર્ટનરશિપ તોડવા માટે બોલિંગ કરી હતી.
ઓમર અબદુલ્લાએ બે કરોડના કૅશ-પ્રાઇઝની જાહેરાત કરી
જમ્મુ ઍન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ પહેલી વાર રણજી ટ્રોફી જીતવા બદલ રાજયની ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફ માટે બે કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી હતી. રણજી ટ્રોફી વિજેતાને ક્રિકેટ બોર્ડ તરફથી પાંચ કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મળશે. રનર-અપ ટીમને ૩ કરોડ રૂપિયા મળશે.

૨૪૫ રન કરવાની સાથે હાઇએસ્ટ ૬૦ વિકેટ લઈને આકિબ નબી બન્યો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, BCCI પ્રેસિડન્ટ મિથુન મન્હાસે તેને વિજેતાનો ચેક એનાયત કર્યો.
નરેન્દ્ર મોદીએ પણ કરી નવા રણજી ચૅમ્પિયન્સની પ્રશંસા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા રણજી ચૅમ્પિયન્સના ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘જમ્મુ ઍન્ડ કાશ્મીર ટીમને રણજી ટ્રોફીમાં પહેલી વાર જીત મેળવવા બદલ અભિનંદન. આ ઐતિહાસિક વિજય ટીમની નોંધપાત્ર હિંમત, શિસ્ત અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. આ જમ્મુ ઍન્ડ કાશ્મીરના લોકો માટે ગર્વની ક્ષણ છે અને એ ત્યાં વધતા રમતગમતના જુસ્સા અને પ્રતિભાને ઉજાગર કરે છે. આ સિદ્ધિ ઘણા યુવા ખેલાડીઓને મોટાં સપનાં જોવા અને વધુ રમવા માટે પ્રેરણા આપશે.’
