પાકિસ્તાનમાં રમવા ન આવતા, તમને કાંઈ થાય તો જવાબદારી અમારી નહીં; અમે અમારી શક્તિથી શક્ય એટલાં પગલાં લઈને ખાતરી કરીશું કે મૅચો ન યોજાય
પાકિસ્તાની આતંકવાદી સંગઠને PSL 2026ના વિદેશી ખેલાડીઓને આપી ખુલ્લી ધમકી...
પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026ની આગામી સીઝન અનિશ્ચિતતામાં ઘેરાઈ ગઈ છે. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના જૂથ જમાત-ઉલ-અહરારે વિદેશી ક્રિકેટ બોર્ડને એમના પ્લેયર્સને PSL 2026માં રમવા ન મોકલવાની ચેતવણી આપી છે. વેસ્ટ એશિયાના યુદ્ધ વચ્ચે ઑઇલ-સંકટને કારણે ૨૬ માર્ચથી શરૂ થતી આ ટુર્નામેન્ટ માત્ર બે સ્ટેડિયમમાં બંધ બારણે રમાવાની છે.
જમાત-ઉલ-અહરારના એક કમાન્ડરે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ‘અમે સંબંધિત ક્રિકેટ બોર્ડને સલાહ આપવા માગીએ છીએ કે તેઓ તેમના ખેલાડીઓને પાકિસ્તાન ન મોકલે. જો તેમને કંઈ થાય તો અમે જવાબદાર રહીશું નહીં. અમે પહેલેથી જ ચેતવણી આપી છે. અમે અમારી શક્તિમાં દરેક શક્ય પગલાં લઈશું. અમે ખાતરી કરીશું કે મૅચો ન યોજાય.’
ADVERTISEMENT
પાકિસ્તાન સુપર લીગમાં ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, ડેવોન કૉન્વે, માર્ક ચૅપમૅન, માઇકલ બ્રેસવેલ, ટૉમ કરૅન, અલઝારી જોસેફ, સિકંદર રઝા, ડૅરિલ મિચલ, કુસલ પરેરા, મુસ્તફિઝુર રહમાન સહિતના વિદેશી પ્લેયર્સ રમવાના છે. માર્ચ ૨૦૦૯માં પાકિસ્તાનના લાહોરમાં ટેસ્ટ-સિરીઝ રમી રહેલી શ્રીલંકન ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાથી વિદેશી પ્લેયર્સ PSL 2026માં રમવા જતાં પહેલાં સો વખત જરૂરથી વિચારશે.
આઇસલૅન્ડ ક્રિકેટે PSLને ગણાવી પેટ્રોલ-શૉર્ટેજ લીગ
આઇસલૅન્ડ ક્રિકેટ પોતાની રમૂજી સોશ્યલ મીડિયા પોસ્ટ માટે જાણીતું છે. ગઈ કાલે એણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ને ઑઇલ-સંકટ વચ્ચે બંધ બારણે રમાડવાના નિર્ણયને ટ્રોલ કર્યો હતો. આઇસલૅન્ડ ક્રિકેટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે ‘અમે હંમેશાં વિચારતા હતા કે PSLનો અર્થ શું છે? હવે સમજાયું કે એનો અર્થ પેટ્રોલ-શૉર્ટેજ લીગ પણ છે.’
સોશ્યલ મીડિયા પર ફૅન્સ PSLને પુલઆઉટ સુપર લીગ પણ ગણાવી રહ્યા છે, કારણ કે ઘણા પ્લેયર્સ સીઝન પહેલાં અને અધવચ્ચે પોતાનું નામ પાછું ખેંચી લેતા હોય છે.
