અફઘાનિસ્તાનના ૧૯૫ રનના ટાર્ગેટને ભારતે ૧૩ બૉલ પહેલાં ચેઝ કરીને ૭ વિકેટે જીત નોંધાવી
શુભમન ગિલના તોફાની ૮૪ રન
ધરમશાલામાં ગઈ કાલે અફઘાનિસ્તાન સામે શરૂ થયેલી ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ભારતીય ટીમે ૭ વિકેટે વિજયી પ્રારંભ કર્યો હતો. બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થનારી મૅચ વરસાદને કારણે ૪ કલાક અને ૧૫ મિનિટ મોડી શરૂ થતાં ૫૦-૫૦ને બદલે ૨૫-૨૫ ઓવરની મૅચ રમાઈ હતી. અફઘાનિસ્તાને ૨૪.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૯૪ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૨૨.૫ ઓવરમાં ૧૯૫/૩નો સ્કોર કરીને અફઘાનિસ્તાન સામે ક્યારેય ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર અફઘાનિસ્તાન માટે ઓપનર રહમાનુલ્લા ગુરબાઝે ૫૧ બૉલમાં ૮ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૦૨ રન કર્યા હતા. તેણે અફઘાનિસ્તાન માટે ૪૮ બૉલમાં ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારી હતી. અઝમતુલ્લા ઓમરઝાઈએ ૧૬ બૉલમાં ૨૬ રન અને હશમતુલ્લાહ શાહિદીએ ૩૦ બૉલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું.
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને નીતીશ કુમાર રેડ્ડીને બે-બે સફળતા મળી હતી. ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે ૪.૫ ઓવરમાં ૨૭ રન આપીને અને સ્પિનર હર્ષ દુબેએ પાંચ ઓવરમાં ૪૭ રન આપીને ૩-૩ વિકેટ લીધી હતી. વન-ડેમાં ઓવરઑલ સાતમી વખત અને ભારત માટે બે નવોદિત ખેલાડીઓએ એકસાથે ૩-૩ વિકેટ લીધી છે.
રન-ચેઝ દરમ્યાન ભારતીય કૅપ્ટન શુભમન ગિલે ૬૬ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સના આધારે ૮૪ રનની અણનમ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા ઈશાન કિશને બાવીસ બૉલમાં ૩૪ રન કર્યા હતા.
પાંચમા ક્રમે રમવા આવેલા કે.એલ. રાહુલે ૧૯ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સના આધારે ૩૯ રનનું અણનમ યોગદાન આપ્યું હતું. રોહિત શર્માએ ૧૬ બૉલમાં ૧૬ રન અને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરે ૧૫ બૉલમાં ૧૨ રનનું નિરાશાજનક પ્રદર્શન નોંધાવ્યું હતું. અફઘાનિસ્તાનના બોલિંગ-યુનિટમાંથી સ્પિનર રાશિદ ખાન અને ફાસ્ટ બોલર ઝિયા ઉર રહેમાન શરીફીને એક-એક વિકેટ મળી હતી.
ધરમશાલામાં હર્ષ દુબે અને ગુરનૂર બરાડને મળી વન-ડે ડેબ્યુ કૅપ
ADVERTISEMENT
પુણેના ૨૩ વર્ષના સ્પિનર હર્ષ દુબે અને પંજાબના ૨૬ વર્ષના ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે ગઈ કાલે વન-ડે ફૉર્મેટથી ભારતીય સિનિયર ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. હર્ષ દુબેને ૨૬૧ અને ગુરનૂર બરાડને ૨૬૨ નંબરની વન-ડે કૅપ મળી હતી.

હર્ષ દુબે અને ગુરનૂર બરાડ
૬ ફુટ પાંચ ઇંચનો ગુરનૂર બરાડ ૧૮ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં બાવન વિકેટ, ૯ લિસ્ટ-A મૅચમાં ૧૨ વિકેટ અને ૯ T20 વિકેટ લઈ ચૂક્યો છે. વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હર્ષ દુબેએ ૨૭ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં ૧૩૩ વિકેટ, ૩૦ લિસ્ટ-A મૅચમાં ૩૧ વિકેટ અને ૩૮ T20 મૅચમાં ૩૪ વિકેટ લીધી છે.
