Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલ-મયંકની સેન્ચુરી પાર્ટનરશિપ એટલે પંજાબની હાર પાક્કી

રાહુલ-મયંકની સેન્ચુરી પાર્ટનરશિપ એટલે પંજાબની હાર પાક્કી

23 September, 2021 05:30 PM IST | Mumbai
Agency

આ બન્નેએ અત્યાર સુધી ચાર વાર ટીમને ૧૦૦ પ્લસની ઓપનિંગ સાથે મજબૂત શરૂઆત કરાવી છે, પણ ટીમ ચારેય વાર હારી ગઈ છે

રાહુલ-મયંકની સેન્ચુરી પાર્ટનરશિપ એટલે પંજાબની હાર પાક્કી

રાહુલ-મયંકની સેન્ચુરી પાર્ટનરશિપ એટલે પંજાબની હાર પાક્કી


આઇપીએલમાં મંગળવારે પંજાબ કિંગ્સે હાથમાં આવી ગયેલી બાજી ગુમાવી દેવાનો સિલસિલો જાળવી રાખતાં છેલ્લી બે ઓવરમાં આઠ અને છેલ્લી ઓવરમાં ચાર રન નહોતા કરી શક્યા અને બે રનથી આઘાતજનક હાર જોવી પડી હતી. પંજાબે ૧૮૬ રનના ટાર્ગેટ સામે ૧૮મી ઓવરના અંતે બે વિકેટે ૧૭૮ રન બનાવી લીધા હતા અને બાકીના ૧૨ બૉલમાં માત્ર ૮ રન કરવાના હતા અને આઠ વિકેટ હાથમાં હતી. 
અર્શદીપ સિંહની પાંચ વિકેટના તરખાટને લીધે પંજાબે કમબૅક કર્યું હતું અને રાજસ્થાનને ૧૮૫ રન સુધી સીમિત રાખ્યું હતું. ત્યાર બાદ ઓપનરો લોકેશ રાહુલ (૪૯) અને મયંક અગરવાલે (૬૭) ૧૨૦ રનની પાર્ટનરશિપને લીધે પંજાબે જીત ઑલમોસ્ટ પાક્કી કરી લીધી હતી, પણ આ બન્ને ઓપનરોની સેન્ચુરી પાર્ટનરશિપ ફરી ટીમ માટે બૅડલક સાબિત થઈ હતી અને ફરી હાર જોવી પડી હતી. આ બન્ને ઓપનરોએ આઇપીએલમાં પંજાબ વતી ચોથી વાર ૧૦૦ પ્લસની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને નવાઈની વાત એ છે કે પંજાબ એ ચારેય મૅચમાં હારી ગયું છે.


શુભ શરૂઆત બની અશુભ

ગઈ સીઝનમાં સપ્ટેમ્બરમાં જ અને એ પણ રાજસ્થાન સામે જ શારજાહમાં આ બન્નેએ ૧૮૩ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી, પણ ટીમ આખરે એ મૅચ ચાર વિકેટે હારી ગઈ હતી. ત્યાર બાદ ઑક્ટોબરમાં અબુ ધાબીમાં કલકત્તા સામે બન્નેએ ૧૧૫ રન સાથે શુભ શરૂઆત કરાવી આપી હતી, પણ ટીમ સોમવારની જેમ જ બે રનથી હારી ગઈ હતી. આ સીઝનમાં ૧૮ એપ્રિલે મુંબઈમાં દિલ્હી સામેના જંગમાં બન્નેએ ૧૨૨ રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પણ ટીમને ૬ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે ચોથી વાર બન્નેએ ૧૦૦ પ્લસની ઓપનિંગ પાર્ટનરશિપ કરતાં ૧૨૦ રન ફટકાર્યા હતા, પણ ટીમ રાજસ્થાન સામે માત્ર બે રનથી હારી ગઈ હતી. 
કોહલી-ગેઇલના રેકૉર્ડની બરાબરી

આઇપીએલ અને ટી૨૦ ક્રિકેટમાં ખેલાડીઓની સૌથી વધુ સેન્ચુરી પાર્ટનરશિપમાં ટીમ હારવાનો રેકૉર્ડ અત્યાર સુધી બૅન્ગલોરના વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલના નામે હતો, પણ હવે રાહુલ અને મયંકે તેમની બરાબરી કરી લીધી છે. 
કોચ કુંબલે ભારે નારાજ, આવી રીતે હારવાની ટીમને આદત પડી ગઈ છે 
ફરી હાથમાં આવેલી બાજી ગુમાવવાથી પંજાબના હેડ કોચ અનિલ કુંબલે ખૂબ જ નારાજ થયા છે અને કહ્યું હતું કે આ હારને પચાવવી ખૂબ મુશ્કેલ અને ટીમને આવી રીતે વિજયના દ્વારે પહોંચીને ફસડાઈ પડવાની આદત પડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે ‘અમારા માટે આવી હાર એક પેટર્ન બની રહી છે. ખાસ કરીને જ્યારે અમે દુબઈમાં રમવા ઊતરીએ છીએ ત્યારે. અમારે ૧૯મી ઓવરમાં જ મૅચ સમાપ્ત કરવની હતી. પ્લાન પણ એવો જ હતો. કોઈ પણ સંજોગોમાં મૅચને છેલ્લી ઓવર સુધી નહોતી લઈ જવી, પણ દુર્ભાગ્યથી તમે જ્યારે કોઈ મૅચને છેલ્લા અમુક બૉલ સુધી લઈ જાઓ છો ત્યારે એ કોઈક લૉટરી જેવી થઈ જાય છે. પણ જે રીતે કાર્તિકે બોલિંગ કરી એને હું આ જીતનું શ્રેય આપીશ.’
અમે ભૂલોમાંથી શીખતા નથી ઃ રાહુલ
આઘાતજનક હારથી હતાશ પંજાબના કૅપ્ટને પણ નિરાશા સાથે કહ્યું હતું કે અમે ભૂલોમાંથી શીખતા જ નથી. રાહુલે કહ્યું હતું કે આ હારને પચાવવી મુશ્કેલ છે. આવી ભૂલો વારંવાર કરી રહ્યા છીએ. 
અમે એમાંથી કાંઈ શીખતા જ નથી. 
મૅચને ૧૮મી ઓવરમાં ખતમ કરવાના પ્રયાસમાં વધુ પડતી મહેનત કરો છો અને ભટકી જાવ છો અને હરીફ ટીમને કમબૅક કરવાનો મોકો આપી દો છો. પણ અમે કમબૅક કરીશું અને બાકીની પાંચેય મૅચ જીતી લઈશું.’
 
સૅમસનને ૧૨ લાખનો દંડ થયો

રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસન થ્રીલર જીતનો આનંદ માણી રહ્યો હતો ત્યાં તેને એક આઘાતજનક સમાચાર પણ મળ્યા હતા. મૅચ દરમ્યાન સ્લો ઓવર રેટ બદલ તેને ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

દીપક હૂડાએ મૅચ પહેલાં પોસ્ટ કરેલા આ ફોટોની તપાસ થશે

દીપક હૂડાએ સોમવારે મૅચ પહેલાં પોતે હેલ્મેટ પહેરીને મૅચ રમવા તૈયાર હોવાનો ફોટો ટ્વીટ કર્યો હતો. આ ફોટો દ્વારા આઇપીએલના પ્રોટોકોલનો ભંગ થયો છે કે નહીં એની તપાસ ઍન્ટિ કરપ્શન યુનિટ કરશે. હૂડા પણ મૅચમાં રમવાનો છે એવું પહેલાંથી જાહેર કરી દેવાનો આરોપ થઈ રહ્યો છે. નિયમો પ્રમાણે કોઈએ ટીમ અંગે પહેલેથી જાહેર ન કરી શકે.  

હીરો બુમરાહનાં વખાણથી ગદ્ગદ થયો કાર્તિક ત્યાગી
અફલાતૂન છેલ્લી ઓવર દ્વારા રાજસ્થાનને જીત અપાવતાં કાર્તિક ત્યાગીના જસપ્રીત બુમરાહે ટ્વીટ કરીને વખાણ કર્યાં હતાં. બુમરાહે ટ્વીટ કર્યું હતું કે ‘શું ઓવર હતી. આવી પરિસ્થિતિઓમાં મગજને શાંત રાખીને ટીમને જિતાડવી ખરેખર અદ્ભુત છે. ખૂબ ખુશ થયો.’
પોતે જેને આદર્શ માને છે અને પોતાનો હીરો માને છે એ બુમરાહ તરફથી વખાણને લીધે કાર્તિક ગદગદ થઈ ગયો હતો અને તેણે પણ રિપ્લાય કર્યો હતો કે ‘મારા હીરો તરફથી અભિનંદન મળતાં મને ગર્વ થઈ રહ્યો છે.’

4
આઇપીએલમાં છેલ્લી ઓવરમાં સૌથી ઓછા આટલા રન ડિફેન્ડ કરવાનો મુનાફ પટેલના રેકૉર્ડની કાર્તિક ત્યાગીએ બરાબરી કરી લીધી છે. ૨૦૦૯માં રાજસ્થાન વતી રમતાં મુનાફે મુંબઈને છેલ્લી ઓવરમાં ચાર રન નહોતા કરવા દીધા. 

8
આઇપીએલમાં છેલ્લી બે ઓવરમાં આટલા રન બનાવી ન શકવાનો નવો રેકૉર્ડ બની ગયો હતો. આ પહેલાંનો રેકૉર્ડ ૧૩ રનનો હતો જે કલકત્તા નાઇટ રાઇડર્સના ૨૦૧૨માં પંજાબ કિંગ્સ સામે નહોતી બનાવી શકી.

1
સોમવારે છેલ્લી ઓવરમાં કાર્તિક ત્યાગીએ આટલા રન આપ્યા હતા. આઇપીએલમાં ચેઝ કરતી વખતે છએ છ બૉલ ફેકીને આપેલા સંયુક્ત રીતે બીજા નંબરના સૌથી ઓછા રન છે. ૨૦૧૭માં જયદેવ ઉનડકટે હૈદરાબાદ સામે હૅટ-ટ્રિક સાથે માત્ર એક જ રન આપ્યો હતો. જોકે આ બાબતે રેકૉર્ડ ઇરફાન પઠાણના નામે છે, તેણે ૨૦૦૮માં મુંબઈ સામે એક પણ રન આપ્યા વગર મેઇડન ઓવરની કમાલ કરી હતી. 

120
સોમવારની રાહુલ અને મયંક વચ્ચેની આટલા રનની પાર્ટનરશિપ આઇપીએલમાં ટીમની હારમાં સેકન્ડ હાઈએસ્ટ બની ગઈ હતી. હાઈએસ્ટ પાર્ટનરશિપ ૨૦૧૪માં ગૌતમ ગંભીર અને રૉબિન ઉથપ્પા વચ્ચેની ૧૨૧ રનની છે, જે પણ રાજસ્થાન સામે જ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 05:30 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK