બધું ફોકસ ભલે સૂર્યવંશી પર હોય, પણ ટીમમાં અનેક દમદાર ખેલાડીઓને લીધે આજે ટીમ પ્લેઑફની મજબૂત દાવેદાર છે....
રાજસ્થાન રૉયલ્સ ટીમ
ઘણા સમય બાદ રાજસ્થાન રૉયલ્સ (RR) દમદાર પર્ફોર્મ કરી રહ્યું છે અને પૉઇન્ટ્સ-ટેલબમાં ત્રીજા સ્થાને બિરાજમાન છે. રાજસ્થાનના યશનો મોટા ભાગનો જશ ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીને આપવામાં આવી રહ્યો છે, પણ ટીમની જીતના હીરો પર નજર કરતાં ખબર પડશે કે તેઓ માત્ર એક જ ખેલાડી પર આધારિત નથી.
મંગળવારે પંજાબ સામેની જીતનો હીરો બન્યો હતો ડોનોવન પરેરા. સાઉથ આફ્રિકન ખેલાડીએ નિર્ણાયક સમયે ૨૬ બૉલમાં અણનમ બાવન રન ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.
પ્રથમ મૅચમાં ચેન્નઈ સામે જીત નાન્દ્રે બર્ગરે અપાવી હતી તો ગુજરાત સામે બીજો વિજય સ્પિનર રવિ બિશ્નોઈની કાંડાની કરામતને લીધે હતો. ત્રીજી મુંબઈ સામેની જીતમાં મુંબઈકર યશસ્વી જાયસવાલનો મુખ્ય ફાળો હતો. ત્યાર બાદ બૅન્ગલોર સામેની જીત વૈભવ સૂર્યવંશીની ૨૬ બૉલમાં ૭૮ રનની ઇનિંગ્સના દમ પર હતી. પાંચમી લખનઉ સામેની જીત ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સે અપાવી હતી.
