ફાઇનલમાં પહોંચવા જમ્મુ ઍન્ડ કાશ્મીરને ૮૩ રન અને બંગાળને ૮ વિકેટની જરૂર, ૭૩૬ રન ફટકારનાર કર્ણાટક ઉત્તરાખંડ સામે ૫૮૭ રનની લીડ લઈને બેઠું છે
બંગાળના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૨૨.૧ ઓવરમાં ૯૦ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની સેમી-ફાઇનલ મૅચના ત્રીજા દિવસે પણ ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી. બંગાળ અને જમ્મુ ઍન્ડ કાશ્મીર વચ્ચેની મૅચમાં ગઈ કાલે ૧૭ વિકેટ પડતાં આજે ચોથા દિવસે મૅચનું રિઝલ્ટ આવશે. આજે ફાઇનલમાં પહોંચવા જમ્મુ ઍન્ડ કાશ્મીરને ૮૩ રન અને બંગાળને ૮ વિકેટની જરૂર છે. ઉત્તરાખંડ સામે એક ડબલ સદી, બે સદી અને ૩ ફિફ્ટીના આધારે કર્ણાટકે પોતાનો બીજો હાઇએસ્ટ ફર્સ્ટ-ક્લાસ સ્કોર ૭૩૬ કર્યો હતો. ત્રીજા દિવસના અંતે કર્ણાટક પાસે ૫૮૭ રનની લીડ બચી હતી.
બંગાળ vs જમ્મુ ઍન્ડ કાશ્મીર
ADVERTISEMENT
બંગાળના પહેલી ઇનિંગ્સના ૩૨૮ રનના સ્કોર સામે જમ્મુ ઍન્ડ કાશ્મીરે ગઈ કાલે બાવનમી ઓવરમાં ૧૯૮/૫ના સ્કોરથી પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીરે પૂંછડિયા બૅટર્સ આકિબ નબી દારના ૪૨ રન અને યુદ્ધવીર સિંહના ૩૩ રનની મદદથી ૭૬.૧ ઓવરમાં ૩૦૨ રનનો સ્કોર કર્યો હતો. બંગાળના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૨૨.૧ ઓવરમાં ૯૦ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી. એ તેની ક્રિકેટ-કરીઅરનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન હતું. ફાસ્ટ બોલર મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી.
૨૬ રનની લીડ સાથે ઊતરેલી બંગાળની ટીમે બીજી ઇનિંગ્સમાં ૨૫.૧ ઓવરમાં ૯૯ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી દીધી હતી. બંગાળ માટે આ ઇનિંગ્સમાં શહબાઝ અહમદે ૨૪ રનની ઇનિંગ્સ રમી હતી. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ફાસ્ટ બોલર્સ આકિબ નબી દાર અને સુનીલ કુમારે ૪-૪ વિકેટ ઝડપી હતી, જ્યારે યુદ્ધવીર સિંહે બે વિકેટ લીધી હતી. બંગાળે માત્ર ૧૨૬ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ત્રીજા દિવસના અંતે જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૧૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૪૩ રન કર્યા હતા. આ બન્ને વિકેટ ફાસ્ટ બોલર આકાશ દીપે લીધી હતી.
કર્ણાટક vs ઉત્તરાખંડ
કર્ણાટકે ગઈ કાલે ૧૮૧મી ઓવરમાં ૬૯૮/૬ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. કૅપ્ટન દેવદત્ત પડિક્કલના ૨૩૨, કે. એલ. રાહુલના ૧૪૧, સ્મરણ રવિચન્દ્રનના ૧૩૫, કરુણ નાયર અને ક્રુતિક ક્રિષ્નાના ૬૦-૬૦ રન બાદ વિદ્યાધર પાટીલની ૧૪૪ બૉલમાં ૫૪ રનની ઇનિંગ્સના આધારે કર્ણાટકે ૧૯૪.૪ ઓવરમાં ૭૩૬ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવીને પહેલી ઇનિંગ્સ સમાપ્ત કરી હતી. ઉત્તરાખંડે ત્રીજા દિવસના અંતે ૬૯ ઓવરમાં ૧૪૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. લક્ષ્ય રાજેશ રાયચંદાની ૧૬૬ બૉલમાં ૧૦ ફોરની મદદથી બાવન રન ફટકારી અણનમ રહ્યો હતો. કર્ણાટક માટે ફાસ્ટ બોલર વિદ્યાધર પાટીલે ૧૩ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના ૩ બોલર્સે એક-એક વિકેટ ઝડપી હતી.
