પહેલાં સખત મહેનત કરો, પોતાના કામ પ્રત્યે ક્રેઝી બનો, વર્કલાઇફ-બૅલૅન્સ વિશે પછીથી વિચારજો
રિષભ પંત
ભારતના વિકેટકીપર-બૅટર રિષભ પંતે મુંબઈની એક ઇવેન્ટ દરમ્યાન યુવાનોને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેણે કહ્યું હતું કે ‘આજકાલ આપણે વર્કલાઇફ-બૅલૅન્સ વિશે વાત કરીએ છીએ. મને લાગે છે કે લોકોએ સમજવાની જરૂર છે કે પહેલાં તમારે સખત મહેનત કરવી પડશે, તમારા કામ પ્રત્યે પાગલ બનવું પડશે અને પછી જીવનમાં એક સમય આવશે જ્યારે તમે આરામ કરી શકશો અને શાંત થઈ શકશો.’
૨૮ વર્ષના રિષભ પંતે વધુમાં કહ્યું હતું કે ‘એક યુવાન વ્યક્તિ તરીકે તમારી મર્યાદાઓને આગળ ધપાવવી શ્રેષ્ઠ છે, કારણ કે સ્વસ્થ થવા માટે પુષ્કળ સમય હોય છે. જ્યારે તમે ૩૫ કે ૪૫ વર્ષના થાઓ છો ત્યારે તમને વધુ સુરક્ષિત વિચાર અને આયોજનની જરૂર પડશે. કામ કરતા રહો. તમે જ્યાં પણ જાઓ ત્યાં શીખવાનો પ્રયાસ કરો અને એમાંથી કંઈક સારું બહાર આવશે.’


