પતિ રવીન્દ્રનાં વખાણ કરવાના ચક્કરમાં ટીમ ઇન્ડિયાના અન્ય પ્લેયરોની પોલ ખાલી નાખી પત્ની રીવાબા જાડેજાએ, કહ્યું કે...
મારા પતિએ કોઈ જાતનું વ્યસન નથી કર્યું, ટીમના બીજા ખેલાડીઓ કરે છે
ગુજરાતનાં રાજ્યકક્ષાનાં શિક્ષણપ્રધાન રીવાબા જાડેજાએ એક સભા દરમ્યાન પતિ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને જેન્ટલમૅન દેખાડવાના ચક્કરમાં અન્ય પ્લેયરોની ટીકા કરી હતી. જામનગરમાં એક સ્કૂલમાં સંબોધન કરતાં રીવાબાએ કહ્યું હતું કે ‘મારા ઘરવાળા (પતિ)ને વિદેશમાં જવાનું થાય છે. લંડન, દુબઈ, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફરવાનું થતું હોય છે; પણ તેમણે વ્યસનને સ્પર્શ નથી કર્યો, કોઈ પણ જાતનું વ્યસન નથી કર્યું. બાકી ટીમના બધા વ્યસન કરે છે. `
રીવાબાએ વધુમાં કહ્યું હતું કે ‘તેમને (રવીન્દ્ર જાડેજા) કોઈ રોકટોક નથી. ૧૨ વર્ષની ઉંમરે ઘરની બહાર નીકળી ગયા હતા. ઘરમાં બધી સ્વતંત્રતા છે. ધારે એ બધું કરી શકે, પણ નૈતિક જવાબદારી સમજીને આ બધાથી દૂર રહે છે.’
ADVERTISEMENT
આ નિવેદન સોશ્યલ મીડિયા પર પણ ફરતું થઈ ગયું છે. ટીમ ઇન્ડિયાની અંદરની વાત જાહેરમાં કહેતાં વિવાદ ઊભો થયો છે. ૩૭ વર્ષનો રવીન્દ્ર જાડેજા હાલમાં વર્લ્ડ નંબર વન ટેસ્ટ-ઑલરાઉન્ડર છે.


