આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો સેકન્ડરી મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશઃ કોર્ટે કહ્યું કે આપણે હવે કંઈક કરવું જોઈએ, તેને આ રીતે જીવવા ન દઈ શકીએ, બુધવાર સુધીમાં રિપોર્ટ આપવાની તાકીદ, ગુરુવારે થશે આગામી સુનાવણી
દીકરા હરીશને માથે હાથ ફેરવી રહેલા પિતા અશોક રાણા
૧૩ વર્ષથી કોમા અથવા બેભાન અવસ્થામાં રહેલા એક યુવાનની પીડાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ને ક્વૉડ્રિપ્લેજિયાથી પીડિત યુવાનના સ્વાસ્થ્યની સ્થિતિની તપાસ કરવા અને દયામૃત્યુ હેઠળ જીવનરક્ષક સારવાર રોકી શકાય છે કે કેમ એ અંગે અહેવાલ રજૂ કરવા માટે એક સેકન્ડરી મેડિકલ બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ બોર્ડને આગામી બુધવાર સુધીમાં રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે. આગામી ગુરુવારે આ કેસની સુનાવણી થવાની છે.
દયામૃત્યુમાં સીધી રીતે મોત થતું નથી, પરંતુ જીવન ટકાવી રાખવા માટે જરૂરી સાધનો અથવા સારવાર રોકી દેવાથી કુદરતી રીતે મૃત્યુ થાય છે. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે AIIMS દિલ્હીના ડિરેક્ટરને ઇચ્છામૃત્યુની અરજીઓ પર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત અને ૨૦૨૩માં સરળ બનાવેલી પ્રક્રિયા અનુસાર સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
નોએડા હૉસ્પિટલના પ્રાથમિક બોર્ડ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં ડૉક્ટરોએ કહ્યું હતું કે ૩૧ વર્ષના હરીશ રાણાના સ્વસ્થ થવાની કોઈ શક્યતા નથી. અહેવાલની સમીક્ષા કર્યા પછી જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે ‘આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. યુવાનની સ્થિતિ અત્યંત દયનીય લાગે છે. આપણે હવે કંઈક કરવું જોઈએ. આપણે તેને આ રીતે જીવવા ન દઈ શકીએ.’
હરીશ રાણા ૧૩ વર્ષથી ૧૦૦ ટકા અપંગતા સાથે કાયમી વેજિટેટિવ સ્ટેટમાં જીવી રહ્યો છે. તેના સ્વસ્થ થવાની શક્યતા નજીવી છે. હરીશ ૨૦૧૩માં ૨૦ ઑગસ્ટે તેના પેઇંગ ગેસ્ટ આવાસના ચોથા માળેથી પડી ગયો હતો. તે પંજાબ યુનિવર્સિટીમાં ભણી રહ્યો હતો. તેની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. તેના પિતાએ સૌપ્રથમ દિલ્હી હાઈ કોર્ટમાં દયામૃત્યુની અરજી કરી હતી. જોકે કોર્ટે કેસને પ્રાથમિક તબીબી બોર્ડમાં મોકલવાની તેમની અરજીને નકારી કાઢી હતી. હાઈ કોર્ટના આદેશને પડકારતાં પિતાએ કહ્યું હતું કે હરીશનું હાલની સ્થિતિમાં અસ્તિત્વ તેના ગૌરવના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે અને હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન ન કરીને ભૂલ કરી છે.
નવી ગાઇડલાઇન્સનો પહેલો કેસ
સુપ્રીમ કોર્ટે યુથેનેસિયા ગાઇડલાઇન્સ ઘડી કાઢી અને એને મંજૂરી આપવાની પ્રક્રિયા પૂરી કર્યા પછી હરીશનો કેસ પહેલો છે જેમાં કોર્ટ દયામૃત્યુની અરજી પર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. ૨૦૧૮માં કોર્ટે ગંભીર રીતે બીમાર દરદીઓ માટે લાઇફ-સપોર્ટ પાછો ખેંચવાની મંજૂરી આપીને દયામૃત્યુને કાયદેસર બનાવ્યું અને ચુકાદો આપ્યો કે ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.


