૬ ટીમો વચ્ચે ૨૫ જાન્યુઆરી સુધી જામશે રોમાંચક જંગ
ટ્રોફી સાથેના કૅપ્ટન્સ ફોટોશૂટમાં પણ જોવા મળ્યો ક્રિસમસનો રંગ
આજથી સાઉથ આફ્રિકામાં SA20 લીગની ચોથી સીઝન શરૂ થશે. આજથી ૨૫ જાન્યુઆરી સુધી ૬ ટીમ ટ્રોફી જીતવાની રેસમાં ઊતરશે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની શરૂઆતની સીઝન સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમ જીતી હતી, જ્યારે વર્ષ ૨૦૨૫ની સીઝનમાં MI કેપ ટાઉન આ બે વખતની ચૅમ્પિયન ટીમને જ માત આપીને ટ્રોફી જીતી હતી.
ત્રણ ટીમોએ આ સીઝનમાં પોતાના કૅપ્ટન્સ બદલ્યા છે. સૌરવ ગાંગુલીના કોચિંગ હેઠળની ટીમ પ્રિટોરિયા કૅપિટલ્સે ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજને, ડર્બન સુપર જાયન્ટ્સે એઇડન માર્કરમને અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે ટ્રિસ્ટન સ્ટબ્સને કૅપ્ટન તરીકેની જવાબદારી સોંપી છે. MI કેપ ટાઉન રાશિદ ખાન, પાર્લ રૉયલ્સ ડેવિડ મિલર અને જોબર્ગ સુપર કિંગ્સ ફાફ ડુપ્લેસીના નેતૃત્વ હેઠળ જ રમશે.
ADVERTISEMENT
ટોટલ ૩૪ મૅચમાંથી મોટા ભાગની રમત ભારતીય સમય અનુસાર રાતે ૯ વાગ્યાથી શરૂ થશે. શનિવારે ડબલ હેડરનો પહેલો મુકાબલો ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે. ગઈ સીઝનમાં દિનેશ કાર્તિક આ ટુર્નામેન્ટ સાથે જોડાનાર અને રમનાર પહેલો ભારતીય પ્લેયર બન્યો હતો. જોકે આ વર્ષે કોઈ ભારતીય પ્લેયર આ લીગમાં નહીં જોવા મળે.


