સામે છેડે રમતા શશાંક સિંહે છેલ્લી ઓવરમાં ધમાકેદાર બૅટિંગ કરીને પાંચ ફોર, એક ડબલ અને એક વાઇડ સાથે ૨૩ રન લીધા
શ્રેયસ ઐયરે ૪૨ બૉલમાં અણનમ ૯૭ રન કર્યા.
IPL 2025ની પાંચમી મૅચમાં પંજાબ કિંગ્સે જીત મેળવી છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી પંજાબની ટીમે કૅપ્ટન શ્રેયસ ઐયરની સૌથી મોટી ૯૭ રનની IPL ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે ૨૪૩ રનનો સ્કોર કર્યો હતો જે અમદાવાદ સ્ટેડિયમનો અને ગુજરાત સામે કોઈ પણ ટીમનો હાઇએસ્ટ T20 સ્કોર હતો. ૨૪૪ રનના વિશાળ ટાર્ગેટ સામે ગુજરાતની ટીમે પાંચ વિકેટે પોતાનો બીજી ઇનિંગ્સનો હાઇએસ્ટ ૨૩૨ રનનો સ્કોર કર્યો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કૅપ્ટન શ્રેયસ ઐયરે પંજાબ માટે ૫૦ પ્લસ રનની ત્રણ પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૪૩/૫ સુધી પહોંચાડ્યો હતો જે તેમનો પહેલી ઇનિંગ્સ માટેનો હાઇએસ્ટ સ્કોર હતો. ઐયરે (૪૨ બૉલમાં ૯૭ રન અણનમ) ઓપનર અને IPLની પહેલી મૅચ રમનાર પ્રિયાંશ આર્ય (૨૩ બૉલમાં ૪૭ રન) સાથે બીજી વિકેટ માટે ૫૧ રન, ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (૧૫ બૉલમાં ૨૦ રન) સાથે પાંચમી વિકેટ માટે ૫૭ રન અને બૅટિંગ ઑલરાઉન્ડર શશાંક સિંહ (૧૬ બૉલમાં ૪૪ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૮૧ રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી. ગુજરાત ટાઇટન્સ માટે સ્પિનર સાઈ કિશોરે (૩૦ રનમાં ૩ વિકેટ) સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે સ્પિનર રાશિદ ખાન અને ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને એક-એક સફળતા મળી હતી.
ADVERTISEMENT
ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને (૪૧ બૉલમાં ૭૪ રન) કૅપ્ટન શુભમન ગિલ સાથે મળીને ૬૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને જૉસ બટલર (૩૩ બૉલમાં ૫૪ રન) સાથે બીજી વિકેટ માટે ૮૪ રનની ભાગીદારી કરી ટીમની ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બટલરે અહીંથી શેરફેન રૂધરફોર્ડ (૨૮ બૉલમાં ૪૬ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૫૪ રનની પાર્ટનરશિપ કરી મૅચને રોમાંચક બનાવી હતી, પણ અંતિમ ઓવર્સમાં પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (૩૬ રનમાં બે વિકેટ) જેવા બોલર્સની શાનદાર બોલિંગને કારણે ગુજરાત ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહોતું.
નમો સ્ટેડિયમમાં પહેલી વાર T20ની બન્ને ઇનિંગ્સમાં સ્કોર ૨૦૦ પાર ગયો
આ મૅચ અમદાવાદ સ્ટેડિયમની પહેલી ૪૫૦ પ્લસ રનવાળી T20 મૅચ બની હતી. સ્ટેડિયમની પહેલી અને બીજી ઇનિંગ્સના હાઇએસ્ટ સ્કોર સાથે આ મૅચમાં પહેલી વાર આ સ્ટેડિયમમાં T20ની બન્ને ઇનિંગ્સમાં ૨૦૦ પ્લસ રનનો સ્કોર થયો હતો.
19 - આટલામી વાર IPLમાં ડક આઉટ થયો ગ્લેન મૅક્સવેલ, દિનેશ કાર્તિક અને રોહિત શર્માના ૧૮-૧૮ ડકના રેકૉર્ડથી આગળ વધ્યો.
475 - આટલા રન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની હાઇએસ્ટ રનવાળી T20 મૅચ બની.
શ્રેયસ ઐયરે મને પહેલા બૉલથી જ કહ્યું હતું કે મારી સેન્ચુરીની ચિંતા ન કર, ફક્ત તારા શૉટ્સ રમ. - શશાંક સિંહ

