આજે આ ફૉર્મેટમાં ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી વાર ક્લીન સ્વીપ કરવાની તક
શ્રીલંકાની ટીમ
૧૭ નવેમ્બરે રમાયેલી બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ વિકેટે જીત મેળવીને શ્રીલંકાએ સિરીઝ પર ૨-૦થી અજેય લીડ મેળવી છે. વરસાદને કારણે મૅચ ૪૭-૪૭ ઓવરની થઈ હતી. ન્યુ ઝીલૅન્ડે આપેલા ૨૧૦ રનના ટાર્ગેટને શ્રીલંકાએ ૪૬ ઓવરમાં સાત વિકેટે ચેઝ કરી લીધો હતો. વરસાદથી પ્રભાવિત થયેલી પહેલી વન-ડેમાં શ્રીલંકાએ ૪૫ રને જીત મેળવી હતી.
નવેમ્બર ૨૦૧૨માં પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ૩-૦થી જીત મેળવ્યા બાદ શ્રીલંકન ટીમે પહેલી વાર ન્યુ ઝીલૅન્ડની ટીમને આ ફૉર્મેટની સિરીઝમાં હરાવી છે. છેલ્લાં ૧૨ વર્ષમાં બન્ને ટીમ વચ્ચે વન-ડે ફૉર્મેટની પાંચ સિરીઝ રમાઈ છે જેમાંથી ચારમાં કિવીઓની જીત થઈ, જ્યારે એક સિરીઝ ડ્રૉ રહી હતી. શ્રીલંકન ટીમ ક્યારેય વન-ડે સિરીઝમાં કિવીઓ સામે ક્લીન સ્વીપ કરી શકી નથી. આજે ત્રીજી વન-ડેમાં શ્રીલંકાના પ્લેયર્સ પાસે આ ઇતિહાસ રચવાની તક છે.