ત્રીજી T20 મૅચમાં ૧૭૬ રન કરીને ભારતે ૧૭ રને જીત મેળવીને સિરીઝ ૨-૧થી કબજે કરી, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સે ઐતિહાસિક શતકીય ભાગીદારી કરી
ઓપનર સ્મૃતિ માન્ધના ૮ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૫૫ બૉલમાં ૮૨ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.
હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ઑસ્ટ્રેલિયાને એના જ ઘરમાં હરાવીને પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવી છે. ઍડીલેડની ત્રીજી T20 મૅચ ૧૭ રને જીતીને ભારતે ૩ મૅચની સિરીઝમાં ૨-૧થી વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે ૬ વિકેટે ૧૭૬ રન ફટકાર્યા હતા. ઍડીલેડના મેદાનમાં વિમેન્સ T20 ઇન્ટરનૅશનલનો આ હાઇએસ્ટ સ્કોર હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૯ વિકેટે ૧૫૯ રન કરીને હાર્યું હતું.
ઑસ્ટ્રેલિયા સામે ૬ T20 સિરીઝમાં ભારતીય વિમેન્સ ટીમ માત્ર બીજી વખત વિજેતા રહી છે. અગાઉ જાન્યુઆરી ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયાને ભારતે એના જ ઘરમાં હરાવીને એની સામે પહેલી T20 સિરીઝ જીતી હતી. ઑસ્ટ્રેલિયા છેલ્લે ઘરઆંગણે ૨૦૧૭માં કોઈ પણ ફૉર્મેટની સિરીઝ હાર્યું હતું.
ADVERTISEMENT
જેમિમા રૉડ્રિગ્સે ૪ ફોરની મદદથી ૪૬ બૉલમાં ૫૯ રન કર્યા હતા. ૪ ઓવરમાં માત્ર બાવીસ રન આપીને ૩ વિકેટ લેવાની ઉજવણી કરતી શ્રેયન્કા પાટીલ.
70: આટલામો ૫૦+નો સ્કોર કર્યો સ્મૃતિ માન્ધનાએ ભારત માટે. તે વન-ડેમાં ૩૪, T20માં ૩૩ અને ટેસ્ટમાં ૩ ફિફ્ટી ફટકારી ચૂકી છે.
સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સે ભારત માટે બીજી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરી હતી. વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં બીજી વિકેટ માટે ભારતની આ પહેલી ૧૦૦ રનની ભાગીદારી હતી. ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૮ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૫૫ બૉલમાં ૮૨ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમીને જેમિમા રૉડ્રિગ્સે ૪ ફોરની મદદથી ૪૬ બૉલમાં ૫૯ રન કર્યા હતા. ફાસ્ટ બોલર ઍનાબેલ સધરલૅન્ડે ૩૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી.
ભારતીય સ્પિન બોલર્સના તરખાટ વચ્ચે યજમાન ઑસ્ટ્રેલિયાએ ૧૩ ઓવરમાં ૯૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વાઇસ-કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે પાંચમા ક્રમે શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને પડકાર આપ્યો હતો. તેણે પાંચ ફોર અને એક સિક્સની મદદથી ૪૫ બૉલમાં ૫૭ રન કર્યા હતા. ભારતીય સ્પિનર્સ શ્રેયન્કા પાટીલે બાવીસ રન અને શ્રી ચરણીએ ૩૨ રન આપીને ૩-૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર્સ અરુંધતી રેડ્ડીને બે વિકેટ અને રેણુકા સિંહ ઠાકુરને એક વિકેટ મળી હતી.
