Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેન્સ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે કૅપ્ટન બન્યો વૈભવ સૂર્યવંશી

મેન્સ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે કૅપ્ટન બન્યો વૈભવ સૂર્યવંશી

Published : 15 November, 2026 08:28 AM | Modified : 15 November, 2026 09:03 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇ થિન્ક સર, ભૂલ ગયા લગતા મૈં, બિહારના કૅપ્ટન તરીકેની પહેલી જ મૅચમાં સૌરાષ્ટ્ર સામે હાર્યો વન્ડર બૉય.

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


મેન્સ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી યુવા કૅપ્ટન બનીને ઐતિહાસિક ડેબ્યુ કરનાર ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી શનિવારે ટૉસ સમયે રમૂજી ક્ષણનો સાક્ષી બન્યો હતો. ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) ૨૦૨૬-૨૭ની પહેલી મૅચમાં સૌરાષ્ટ્ર સામે ટૉસ જીત્યા બાદ તે બિહારની પ્લેઇંગ ઇલેવનની વિગતો જ ભૂલી ગયો હતો.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ જ્યારે તેને ટીમના કૉમ્બિનેશન અને પ્લેઇંગ ઇલેવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વૈભવે સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે ‘આઇ થિન્ક સર, ભૂલ ગયા લગતા મૈં.’



૧૫ વર્ષ અને ૨૩૨ દિવસની ઉંમરે ટીમનું નેતૃત્વ કરીને તેણે ક્રોએશિયાના ઝેક વુકુસિકનો રેકૉર્ડ તોડ્યો હતો, જેણે ૧૭ વર્ષ અને ૨૨૨ દિવસની ઉંમરે પોતાની રાષ્ટ્રીય ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી. પોતાના હોમ સ્ટેટનું નેતૃત્વ કરવાની તક મળવા વિશે વાત કરતાં વૈભવે કહ્યું હતું કે ‘આ એક સપનું સાકાર થવા જેવું છે, કારણ કે મેં અહીંથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને એ જ રાજ્યની ટીમનું નેતૃત્વ કરવાની તક મળવી એ બહુ મોટી વાત છે. હું ખૂબ આભારી છું અને મને સોંપવામાં આવેલી જવાબદારી મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ નિભાવવાનો પ્રયાસ કરીશ.’


જોકે કૅપ્ટન તરીકેની પહેલી ઇનિંગ્સમાં વૈભવ બૅટથી ખાસ કમાલ કરી શક્યો નહોતો. તે ૧૨ બૉલમાં ૧૮ રન બનાવીને લેફ્ટ-આર્મ પેસર ચેતન સાકરિયાની બૉલિંગમાં કૉટ ઍન્ડ બોલ્ડ થયો હતો. તેના આઉટ થયા બાદ બિહારની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી અને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૩૭ રન બનાવી શકી હતી. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે ૧૬.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૮ રન કરીને મૅચ જીતી લીધી હતી.

આ ટૂર્નામેન્ટમાં બિહાર માટે વૈભવની ઉપલબ્ધતા મર્યાદિત રહેશે, કારણ કે માત્ર બે મૅચ રમ્યા બાદ તે દોહામાં યોજાનારી ACC રાઇઝિંગ સ્ટાર્સ ઇમર્જિંગ ટુર્નામેન્ટ માટે ઇન્ડિયા-A ટીમ સાથે જોડાવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 09:03 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK