બીજી વન-ડેમાં પણ ઑસ્ટ્રેલિયા ૨૦૦ રન પહેલાં ઑલઆઉટ થયું, સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી
સાઉથ આફ્રિકા સામે સળંગ પાંચમી વન-ડે સિરીઝ હાર્યા કાંગારૂઓ
ગઈ કાલે બીજી વન-ડે મૅચમાં ૮૪ રને વિજય નોંધાવીને સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે વર્ષ ૨૦૧૬થી સળંગ પાંચમી વન-ડે સિરીઝ જીતી છે. છેલ્લે વર્ષ ૨૦૧૪માં આ હરીફ સામે વન-ડે સિરીઝ જીતનાર ઑસ્ટ્રેલિયાએ હાલમાં સતત બે વન-ડેમાં ૨૦૦ રનની અંદર ઑલઆઉટ થઈને સિરીઝ ગુમાવી છે. ઑસ્ટ્રેલિયાને સળંગ ત્રણ વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં પાકિસ્તાન (નવેમ્બર ૨૦૨૪) અને શ્રીલંકા (ફેબ્રુઆરી ૨૦૨૫) સામે પણ એને હાર મળી છે.
સાઉથ આફ્રિકાએ ૪૯.૧ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૭૭ રન ફટકાર્યા હતા. રન-ચેઝ સમયે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી (૪૨ રનમાં પાંચ વિકેટ)ના તરખાટને કારણે ઑસ્ટ્રેલિયાએ ૩૭.૪ ઓવરમાં ૧૯૩ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી દીધી હતી.

