છેલ્લી ત્રણેય સિરીઝમાં કૅરિબિયન ટીમે કર્યો હતો કબજો, જુલાઈ ૨૦૨૧માં છેલ્લી વખત સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકા આ હરીફ ટીમ સામે સતત ૩ T20 સિરીઝ હાર્યું હતું.
ક્વિન્ટન ડી કૉક ૪૯ બૉલમાં ૧૧૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ T20 મૅચની સિરીઝમાં અનુક્રમે ૯ અને ૭ વિકેટે જીત નોંધાવીને યજમાન સાઉથ આફ્રિકા ૨-૦થી વિજેતા બન્યું છે. આજે બન્ને ટીમ વર્લ્ડ કપ પહેલાં અંતિમ મૅચ રમવા ઊતરશે. આ મૅચમાં યજમાન અને ૨૦૨૪ના T20 વર્લ્ડ કપની રનર-અપ ટીમ ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે ઊતરશે. જુલાઈ ૨૦૨૧માં છેલ્લી વખત સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકા આ હરીફ ટીમ સામે સતત ૩ T20 સિરીઝ હાર્યું હતું.
ગુરુવારે રમાયેલી બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે શિમરન હેટમાયરના ૭૫ રનની મદદથી ૪ વિકેટે ૨૨૧ રન ફટકાર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કૉકની T20 ઇન્ટરનૅશનલ કરીઅરની બેસ્ટ ૧૧૫ રનની ઇનિંગ્સની મદદથી ૧૭.૩ ઓવરમાં ૩ વિકેટે ૨૨૫ રન કરીને જીત મેળવી હતી. પોતાની ૧૦૧મી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં તેણે ૨૩૪.૬૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૯ બૉલમાં ૬ ફોર અને ૧૦ સિક્સ ફટકારી હતી. રયાન રિકલ્ટને પણ ૩૬ બૉલમાં ૭૭ રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી હતી.


